ઉપરાજ્યપાલ અને કેજરીવાલ વચ્ચેના વિવાદિત સંગ્રામ બાબતે સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ તરફી ચુકાદો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુપ્રીમ કોર્ટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (ઉપરાજ્યપાલ) ગવર્નર અનિલ બૈજલ સાથે સત્તાની લડાઇમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો હાથ ઉપર રહે તેવો ચુકાદો આપ્યો છે. કોર્ટે ઠરાવ્યું છે કે ઉપરાજ્યપાલ પાસે નિર્ણયો લેવાની કોઇ સ્વતંત્ર સત્તા નથી અને તેઓ ચૂંટાયેલી સરકારની સલાહથી બંધાયેલા છે. જોકે, સુપ્રીમે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો ઇનકાર કર્યો છે. 

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં પાંચ જજની બેન્ચે જણાવ્યું હતું કે ‘આપખુદશાહી કે અરાજકતાને કોઇ સ્થાન નથી.’ ચુકાદામાં એવું પણ ઠરાવાયું છે કે કેન્દ્ર દ્વારા નીમાયેલા ઉપરાજ્યપાલ એક ‘ખલેલ પહોંચાડનાર’ તરીકે કામ ન કરી શકે. આમ કોર્ટના ચુકાદામાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ કેન્દ્રના ઇશારે તેમની સરકારની કામગીરીમાં અડચણ પેદા કરે છે તેવા અરવિંદ કેજરીવાલના લાંબાગાળાના આક્ષેપોને સમર્થન મળ્યું હોય તેમ કહી શકાય. આ સાથે જ કેન્દ્ર સરકાર માટે પણ આ ચુકાદો આંખ ઉઘાડનારો બન્યો છે. સુપ્રીમે એલજીના અધિકાર માટે પહેલી વખત સ્પષ્ટ માર્ગરેખાઓ જારી કરી છે અને દિલ્હીમાં એક્ઝિક્યુટિવની બે શાખાઓની સત્તાને અલગ કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જાહેર આદેશ, પોલીસ અને જમીન એમ ત્રણ બાબતોને બાદ કરતા અન્ય મામલે કાયદો ઘડવા અને સંચાલન કરવાની સત્તા દિલ્હી સરકાર પાસે છે. આ ચુકાદા બાદ આમ આદમી પાર્ટીમાં ઉજવણીનો દોર શરૂ થયો હતો. તેઓ ગલીઓમાં નાચ્યા હતા, મિઠાઇઓ વહેંચી હતી અને ડ્રમ વગાડ્યા હતા. કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે ‘દિલ્હીના લોકો માટે મોટો વિજય છે. લોકશાહીનો મોટો વિજય છે.  ત્રણ અલગ પણ એક જ ચુકાદા સંલગ્ન ચુકાદામાં જસ્ટિસ એ કે સિકરી, એ એમ ખાનવિલકર, ડી વાય ચંદ્રચૂડ અને અશોક ભૂષણે જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલ પાસે સ્વતંત્ર નિર્ણયો લેવા માટે કોઇ સ્વતંત્ર સત્તા નથી. સુપ્રીમે ઉમેર્યું હતું કે દિલ્હીના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધરાવતા હોય તેવા મંત્રીમંડળના તમામ નિર્ણયોની ઉપરાજ્યપાલને જાણ હોવી જોઇએ. પરંતુ એનો મતલબ એ નથી કે તમામમાં તેમની મંજૂરી જરૂરી છે.

Share This Article