નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બિહારના શેલ્ટર હોમ સાથે જાડાયેલા ૧૭ મામલાઓની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવાનો આજે આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે બુધવારના દિવસે મામલાની સુનાવણી દરમિયાન બિહાર સરકાર દ્વારા તમામ મામલાની તપાસ સીબીઆઈ પાસેથી નહીં કરાવવાની અપીલને ફગાવી દીધી હતી અને આ આદેશ કર્યો હતો. બિહાર સરકારને ફટકો આપીને કોર્ટે એવો પણ આદેશ કર્યો હતો કે, તપાસ દરમિયાન કોઇપણ તપાસ અધિકારીની બદલી કરી શકાય નહીં. મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ખુબ જ કઠોર ટિપ્પણી કરી હતી.
કોર્ટે કહ્યું હતું કે, બિહાર પોલીસ પોતાનું કામ કરી રહી નથી. સીબીઆઈ તમામ મામલાની તપાસ માટે તૈયાર છે અને તે તમામ મામલામાં તપાસ કરશે. મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલામાં રાજ્ય સરકારને મંગળવારના દિવસે સુનાવણી દરમિયાન કોર્ટે જારદાર ફટકાર લગાવી હતી. શેલ્ટર હોમ મામલામાં યોગ્યરીતે એફઆઈઆર દાખલ નહીં થવાના મુદ્દા ઉપર કઠોર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે બિહાર સરકારના વલણને અમાનવીય અને શરમજનક ગણાવી ટિકા કરી હતી. સુપ્રીમ કોર્ટે ૧૪ શેલ્ટર હોમમાં જાતિય અત્યાચારના રિપોર્ટ પર યોગ્ય કાર્યવાહી ન કરવાને લઇને બિહાર સરકારને જારદાર ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, બિહાર સરકારની માનસિકતા દુર્ભાગ્યપૂર્ણ છે. બાળકો સાથે આટલી મોટી દુર્ઘટના થઇ ગઈ છે છતાં સરકાર કોઇ કામ કરી રહી નથી. કઠોર ટિપ્પણી કરીને કોર્ટે કહ્યું હતું કે, એફઆઈઆરમાં જાતિય શોષણ અને નાણાંકીય ગેરરીતિનો કોઇપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોર્ટે આદેશ આપ્યો હતો કે, સરકાર ૨૪ કલાકની અંદર એફઆઈઆરમાં નવી કલમો ઉમેરે તે જરૂરી છે.
બિહાર સરકારની કાર્યવાહીને સ્વીકાર કરી શકાય નહીં. એફઆઈઆરમાં કલમ ૩૭૭ નહીં લગાવવાને લઇને પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને આજે બે વાગ્યા સુધી ભુલ સુધારવા માટે કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, બિહારમાં શેલ્ટર હોમ મામલાને લઇને ખળભળાટ મચી ગયો છે. રાજકીય આક્ષેપબાજીનો દોર પણ આમા ચાલી રહ્યો છે. મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ ખુબ જ લાલઘૂમ દેખાઈ હતી. શેલ્ટર હોમને લઇને કેન્દ્ર સરકાર પણ હચમચી ઉઠી છે. આ મામલામાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની પ્રતિષ્ઠાને પણ ફટકો પડ્યો છે.