નાગરિક સુધારા કાનુનને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી જુદી જુદી ૫૯ અરજીઓ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે આજે બુધવારના દિવસે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી. સાથે સાથે કેન્દ્ર સરકારને જાન્યુઆરીના બીજા સપ્તાહ સુધી પોતાનો જવાબ રજૂ કરવા માટેનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નવા કાનુન પર સ્ટે મુકવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. સાથે સાથે કહ્યુ છે કે હજુ તે લાગુ નથી ત્યારે તેના પર સ્ટેનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મામલાની આગામી સુનાવણી ૨૨મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. અરજી કરનાર લોકો દ્વારા નાગરિક સુધારા કાનુનને પડકાર ફેંકીને રજૂઆત કરી હતી.
સુનાવણી દરમિયાન અરજી કરનાર લોકો તરફથી પોતાની દલીલો કરવા માટે પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે કાનુન પર સ્ટે મુકવાની જરૂર છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે કાનુન પર સ્ટે મુકી શકાય છે કે કેમ તે બાબત જોવાની રહેશે. નાગરિક સુધારા કાનુન પાસ કરવામાં આવ્યા બાદ ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલા લઘુમતિ શરણાર્થી લોકોન ભારતીય નાગરિકતા આપવામાં આવનાર છે. આ કાનુન હેઠળ ત્રણ દેશોના લઘુમતિ લોકો હિન્દુ, શિખ, ખ્રિસ્તી અને બૌદ્ધ સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવનાર છે.
જે લોકો આ સમુદાયના લોકો ૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ પહેલા ભારત આવ્યા હતા તેમને ભારતની નાગરિકતા આપવામાં આવનાર છે. નાગરિક સુધારા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ગયા ગુરૂવારે મોડીરાત્રે લીલીઝંડી આપી દીધી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો હતો. રાષ્ટ્રપતિએ મોડી રાત્રે બિલ પર હસ્તાક્ષર કરી દેતા આ હવે કાનુન બની ગયુ છે.
રાષ્ટ્રપતિ દ્વારા બિલ પર હસ્તાક્ષર કરવામા આવ્યા બાદ નાગરિકતા કાનુન ૧૯૫૫માં હવે સુધારા લાગુ કરી દેવામાં આવ્યા છે. આના કારણે ત્રણ દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધાર્મિક અત્યાચારનો શિકાર થઇને ભારત આવેલા અને છેલ્લા કેટલાક સમયથી ભારતમા રહેતા લોકોને નાગરિકતા મળી જશે. બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવનાર છે.
આ કાનુન મુજબ હિન્દુ, શિખ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના જે સભ્યો ૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવ્યા હતા અને જેમને ધાર્મિક અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો તે ભારતીય નાગરિક બની જશે. અત્રે નોંધનીય છે કે રાજ્યસભામાં ચર્ચાસ્પદ નાગરિક સુધારા બિલને બુધવારે લાંબી ચર્ચા ચાલ્યા બાદ લીલીઝંડી મળી ગઈ હતી.
આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વધુ એક મોટી સિદ્ધિ અને મોટી સફળતા હાંસલ કરી લીધી હતી. ભારે ચર્ચા અને વિવાદ જગાવનાર બિલ રાજ્યસભામાં પાસ થયા બાદ એકબાજુ ભાજપ અને સાથી પક્ષોના કાર્યકરોએ જોરદાર ઉજવણી કરી હતી. રાજ્યસભામાં બિલની તરફેણમાં ૧૨૫ અને વિરોધમાં ૧૦૫ મત મળ્યા હતા. શિવસેનાએ વોકઆઉટ કર્યો હતો.