સુપ્રીમ કોર્ટની એક બેન્ચે આજે સામાન્ય દિવસની સરખામણીએ એક કલાક વહેલું કામ કરવાનું શરૂ કરી દીધુ. આ વિષય પર જસ્ટિસ યુ યુ લલિતે કહ્યું કે જો બાળકો સવારે ૭ વાગે શાળાએ જઈ શકે તો જસ્ટિસ અને વકીલ સવારે ૯ વાગે પોતાનું કામ શરૂ કેમ ન કરી શકે? જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધૂલિયાની બેન્ચે સવારે સાડા નવ વાગે કેસની સુનાવણી શરૂ કરી દીધી. જ્યારે સામાન્ય રીતે કોર્ટની સુનાવણી સવારે સાડા દસ વાગે શરૂ થતી હોય છે. જસ્ટિસ લલિત આગામી ચીફ જસ્ટિસ બનવા માટે વરિષ્ઠતાના ક્રમે સૌથી ઉપર છે. તેમણે કહ્યું કે મારા મતે, આપણે આદર્શ રીતે સવારે ૯ વાગ્યાથી (કામ માટે) બેસી જવું જોઈએ. મે હંમેશા કહ્યું છે કે જો બાળકો સવારે સાત વાગે શાળાએ જઈ શકે તો આપણે સવારે નવ વાગે કેમ ન આવી શકીએ.
જામીનના એક કેસમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતોગીએ કેસની સુનાવણી પૂરી થતા સામાન્ય સમય કરતા વહેલી કાર્યવાહી શરૂ કરવા બદલ બેન્ચની પ્રશંસા કરી. ત્યારબાદ જસ્ટિસ લલીતે આ ટિપ્પણી કરી. જસ્ટિસ લલીતે કહ્યું કે મારે એ કહેવું જોઈએ કે કોર્ટનો કામકાજ શરૂ કરવાનો અપેક્ષાકૃત અનુકૂળ સમય સવારે સાડા નવ વાગ્યાનો છે. તેમણે કહ્યું કે જો કોર્ટનું કામકાજ જલદી શરૂ થાય તો તેનાથી તેમના દિવસનું કામ પણ જલદી પૂરું થશે અને જસ્ટિસોને આગામી દિવસના કેસની ફાઈલ વાંચવા માટે સાંજે વધુ સમય મળી જશે. જસ્ટિસ લલીતે કહ્યું કે કોર્ટ સવારે ૯ વાગે કામ કરવાનું શરૂ કરી શકે છે અને સવારે સાડા ૧૧ વાગે એક સલાકના બ્રેક સાથે બપોરે ૨ વાગ્યા સુધી દિવસનું કામ પૂરું કરી શકે છે. આમ કરવાથી જજોને સાંજના સમયે કામ કરવા માટે પહેલા કરતા થોડો વધુ સમય મળી જશે. તેમણે કહ્યું કે આ વ્યવસ્થા ત્યારે જ કામ કરી શકે જ્યારે માત્ર નવા અને આવા કેસની સુનાવણી હોય, જેમા લાંબી સુનાવણીની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સપ્તાહના કામકાજી દિવસમાં સવારે સાડા ૧૦ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી કેસની સુનાવણી કરે છે. ચીફ જસ્ટિસ એન વી રમના ૨૬ ઓગસ્ટના રોજ રિટાયર થવાના છે. જસ્ટિસ લલિત ત્યારબાદ આ કાર્યભાર સંભાળશે. જો કે તેમનો કાર્યકાળ લાંબો નહીં રહે અને તેઓ ૮ નવેમ્બર સુધી જ પદ સંભાળશે.