સુપ્રીમ કોર્ટે આજે યાહુ, વૉટ્સઅપ, ફેસબૂક, ગૂગલ, માઈક્રોસોફ્ટ સહિતની ઈન્ટરનેટ કંપનીઓને રૂપિયા ૧-૧ લાખનો દંડ ફટકાર્યો હતો. આ બધી કંપનીઓએ સુપ્રીમ કોર્ટે આપેલી સમય મર્યાદામાં પોતાનો જવાબ રજૂ કર્યો ન હતો.
કોર્ટે અગાઉ થયેલી સુનાવણી વખતે આદેશ કર્યો હતો કે સોશિયલ મીડિયા સાઈટ પરથી વાંધાજનક સેક્સ્યુઅલ વીડિયો હટાવી દેવામાં આવે. હટાવાની કામગીરી ક્યાં પહોંચી તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો હતો. પરંતુ આ કંપનીઓએ રિપોર્ટ રજૂ કર્યો ન હતો.
આજે સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ મદન લોકુર અને જસ્ટીસ યુ.યુ.લલિતની બનેલી બેંચે આ પાંચ ઉપરાંત ભારતમાં કામ કરતી ફેસબૂક આર્યલેન્ડ, સહિતની કંપનીઓને એક લાખ દંડ પેટે જમા કરાવવા આદેશ કર્યો હતો. વધુમાં કોર્ટે આગામી ૧૫મી જૂન સુધીમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે સરકારને અને આ કંપનીઓને પહેલા જ આદેશ કર્યો હતો કે જાતિય સતામણીને ઉત્તેજન આપતા, તથા મર્યાદાભંગ કરતા વીડિયો સોશિયલ મીડિયા સાઈટ પરથી દૂર થવા જોઈએ. વધુમાં આવા વીડિયો દૂર થયા પછી નવાં વીડિયો અપલોડ ન થાય એ માટે ફિલ્ટરેશનની વ્યવસ્થા ગોઠવવી જોઈએ.