ગૌરક્ષા સંદર્ભમાં કાનૂન બનાવવા સરકારને સુપ્રીમનો સ્પષ્ટ આદેશ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે આજે અતિ મહત્વપૂર્ણ ગૌરક્ષાના નામ પર દેશના જુદા જુદા ભાગોમાં થઇ રહેલી હત્યાઓના સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, ટોળાને કાયદા હાથમાં લેવાની કોઇ કિંમતે મંજુરી આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે સંસદમાં આ મામલામાં કાયદો બનાવવા અને સરકારોને બંધારણ મુજબ કામ કરવા માટે સ્પષ્ટ આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોઇપણ પોતાનીરીતે કાયદો હોઇ શકે નહીં. શાંતિ સ્થાપિત કરવાની જવાબદારી સરકારની રહેલી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, સરકાર પીડિતોને પુરતા પ્રમાણમાં વળતર ચુકવે. સાથે સાથે સંસદ કાયદા બનાવે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ચાર સપ્તાહની અંદર જ કેન્દ્ર અને રાજ્ય સરકારો કોર્ટના આદેશને અમલી બનાવે તે જરૂરી છે. કોર્ટ આ મામલાની આગામી સુનાવણી ઓગસ્ટ મહિનામાં હાથ ધરશે.

સીજેઆઈ દિપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવીલકર અને જસ્ટિસ ધનંજય ચંદ્રચુડની બનેલી આ બેંચે માર્ગદર્શિકા જારી કરી હતી. આ પહેલા ગૌરક્ષાના નામ ઉપર થઇ રહેલી હિંસા ઉપર અંકુશ મુકવાના ન્યાયિક આદેશ ઉપર અમલ નહીં કરવા બદલ રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ સરકારની સામે તિરસ્કાર કાર્યવાહી માટે અરજી દાખલ કરાયા પછી સુપ્રીમ કોર્ટે આ સરકારો પાસેથી જવાબની માંગ કરી હતી.

મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ આ અરજી દાખલ કરી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, આ ત્રણ રાજ્યોએ સુપ્રીમ કોર્ટના ગયા વર્ષે અપાયેલા છઠ્ઠી સપ્ટેમ્બરના આદેશને માન્ય રાખ્યો નથી. ત્રણ રાજ્યોને નોટિસ જારી કરીને ત્રીજી એપ્રિલ સુધી જવાબ આપવા માટે આદેશ કરાયો હતો. ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ છતાં જુદા જુદા રાજ્યોમાં હજુ પણ ગૌરક્ષાના નામે હિંસક ઘટનાઓ બની રહી છે. આ દલીલના સંદર્ભમાં પીઠે કહ્યું હતું કે તે આ તિરસ્કાર અરજી ઉપર ગાંધીની મુખ્ય અરજીની સાથે સુનાવણી હાથ ધરશે.

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે તમામ રાજ્યોને ગૌરક્ષાના નામે હિંસક ઘટનાઓને રોકવા માટે એક સપ્તાહની અંદર દરેક જિલ્લામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને નોડલ અધિકારી નિમવા સહિત કઠોર ઉપાય કરવાના આદેશ કર્યા હતા. બેંચે આ પ્રકારના હિંસક કૃત્યોને કોઇપણ કિંતે રોકવા માટે કહ્યું હતું. આ સંદર્ભમાં રાજ્યોને દરેક જિલ્લામાં એક સમર્પિત કાર્યબળ રચવા માટે પણ કહેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે ગૌરક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો જેમાં દેશમાં ગૌ રક્ષાના નામ ઉપર થઇ રહેલી હિંસા અને હત્યાની વધતી ઘટનાઓ ઉપર સુપ્રીમ કોર્ટે કઠોર વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે લાલઆંખ કરીને દરેક જિલ્લામાં નોડલ ઓફિસરની નિમણૂંક કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ગૌરક્ષકો દ્વારા ફેલાવવામાં આવી રહેલી હિંસાને રોકવા માટે કડક આદેશો જારી કર્યા હતા. દરેક જિલ્લામાં એક સિનિયર પોલીસ અધિકારીને નોડલ ઓફિસર બનાવીને તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને કહ્યું છે કે, ગૌરક્ષાના નામ ઉપર કાયદાને પોતાના હાથમાં લેનારની સામે અસરકારક પગલા લેવામાં  આવે. એ વખતે આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આવા લોકોની સામે પગલા લેવા માટે કાયદા છે. આના જવાબથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, અમે જાણિએ છીએ કે કાયદા છે પરંતુ શું કાર્યવાહી કરવામાં આવી છે. સુપ્રીમના ચુકાદાને મહત્વપૂર્ણ ગણાય છે.

દેશના જુદા જુદા ભાગોમાં તોફાની ટોળા દ્વારા લોકોને માર મારવાના બનાવો બન્યા છે. ટોળા દ્વારા માર મારવાના બનાવો નીચે મુજબ છે.

  • પહેલી જુલાઈના દિવસે મહારાષ્ટ્રના ધુલેમાં પાંચ લોકોને માર મારવામાં આવ્યા બાદ પોલીસે બચાવી લીધા હતા
  • ૨૮મી જૂનના દિવસે ત્રિપુરામાં ત્રણ લોકોના મોત થયા હતા
  • ૮મી જૂનના દિવસે આસામમાં બે ટ્યુરિસ્ટોને ટોળાએ મારી નાંખ્યા હતા
  • મે મહિનામાં આંધ્ર તેલંગાણામાં આઠ લોકોની માર મારીને હત્યા કરાઈ હતી
  • હાલના સમયમાં અન્ય રાજ્યોમાં પણ માર મારવાના બનાવમાં મોતના બનાવો બન્યા છે
Share This Article