અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈમાં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-૧૦નું પૂરક પરીક્ષાનું પરિણામ માત્ર ૯.૦૪ ટકા આવ્યું છે, જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પૂરક પરીક્ષાનું પરિણામ ૫૬.૫૬ ટકા આવ્યું છે. પૂરક પરીક્ષામાં પણ કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો વિદ્યાર્થીઓ તા.૭ ઓગષ્ટ સુધી ગુણ ચકાસણી માટે બોર્ડની કચેરીએ રૂબરૂ અથના પોસ્ટ દ્વારા અરજી કરી શકશે.
જુલાઈ-૨૦૧૯માં ધોરણ ૧૦-૧૨ની પૂરક પરીક્ષા લેવાઈ હતી. જેમાં ધોરણ-૧૦માં ૭૫૩૬૫ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી ૬૪૮૧૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે, ધોરણ-૧૦ની પૂરક પરીક્ષામાં માત્ર ૬૦૬૩ વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં ૯ ટકા વિદ્યાર્થી જ્યારે ૧૦ ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. ૧૨૯૬ દિવ્યાંગો પૈકી ૨૯૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ સુરત જ્યારે સૌથી ઓછું અરવલ્લી જિલ્લાનું આવ્યું છે. ગુજરાતી માધ્યમનું ૮.૮૨ જ્યારે અંગ્રેજી માધ્યમનું ૧૭.૭૫ ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૦૨૬૧૬ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા, જેમાંથી ૮૦૩૯૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ કુલ, ૪૫૪૭૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેને પગલે ધોરણ-૧૨નું પૂરક પરીક્ષાનું કુલ ૫૬.૫૬ ટકા પરિણામ આવ્યું છે. પરિણામમાં ૫૪ ટકા વિદ્યાર્થીઓ જ્યારે ૫૮ ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. પૂરક પરીક્ષાના પરિણામમાં ધોરણ-૧૦નું પરિણામ એકદમ ઓછુ આવતાં માત્ર ૯ ટકા જેટલું આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નિરાશા અને આઘાતની લાગણી ફેલાઇ ગઇ હતી. જયારે બીજીબાજુ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પૂરક પરીક્ષાનું પરિણામ એકંદરે સારું આવતાં તે વિદ્યાર્થી અને વાલીઓમાં એકંદરે ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી.