નોઈડાના સેક્ટર ૯૩માં બનેલા સુપરટેકના ગેરકાયદે ટ્વીન ટાવરને બપોરે ૨.૩૦ વાગ્યે તોડી પાડવામાં આવ્યા હતા. ૧૦૦ મીટરથી વધુની ઊંચાઈ ધરાવતા બંને ટાવરને ધ્વસ્ત થવામાં માત્ર ૧૨ સેકન્ડનો સમય લાગ્યો હતો. વિસ્ફોટ પહેલા લગભગ ૭ હજાર લોકોને વિસ્ફોટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ૩૭૦૦ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ઇમારતને તોડી પાડવામાં આવી હતી. ટ્વીન ટાવર હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે. ટ્વીન ટાવર ધ્વસ્ત થતા જ ધૂળના જબરદસ્ત ગોટેગોટા ઉડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ બે કલાક સુધી હવામાં ધૂળના ગોટેગોટા છવાયેલા રહેશે. ત્યાં આસપાસ લોકોને દૂર કરવામાં આવ્યા છે. હેલ્થ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ત્રણ હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.
સવારે ૭ વાગે આસપાસની સોસાયટીમાં રહેતા લગભગ ૭ હજાર લોકોને એક્સપ્લોઝન ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે ટ્વીન ટાવરની નજીક કોઈને પણ જવાની પરવાનગી નથી.અહીં માત્ર ડિમોલિશન ટીમ જ હાજર છે. ટ્વીન ટાવર પાસેના દોઢ કિલોમીટરના સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યા બાદ સીલ કરી દેવામાં આવ્યો છે. ટ્વીન ટાવર પાસેના દરેક રસ્તા પર બેરિકેડિંગ છે. નોઈડા એક્સપ્રેસ વેને બંધ કરી દેવામાં આવ્યો છે અને અહીં માત્ર પોલીસ કર્મચારીઓ જ દેખાય છે. ૨૦૦૪માં નોઈડા ઓથોરિટીએ સુપરટેકને હાઉસિંગ સોસાયટી બનાવવા માટે એક પ્લોટ ફાળવ્યો હતો.
બિલ્ડિંગ પ્લાન ૨૦૦૫માં મંજૂર કરવામાં આવ્યો હતો. તેમાં ૧૦ માળના ૧૪ ટાવર બનાવવાની મંજુરી આપવામાં આવી હતી. ૨૦૦૬માં, સુપરટેકે પ્લાનમાં બદલાવ કરીને ૧૧ માળના ૧૫ ટાવર બનાવ્યા. નવેમ્બર ૨૦૦૯માં પ્લાનમાં ફરીથી બદલીને ૨૪ માળના બે ટાવરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. માર્ચ ૨૦૧૨માં ૨૪ માળ વધારીને ૪૦ કરવામાં આવ્યા હતા. પ્રતિબંધ આવ્યો ત્યાં સુધીમાં તેમાં ૬૩૩ ફ્લેટ બુક થઈ ચૂક્યા હતા.