ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાનો કોલાજિયમનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે પાછો મોકલી દીધો છે. કેન્દ્ર સરકારે કોલાજિયમને કહ્યું છે કે, આ પ્રસ્તાવ પર બીજી વાર વિચાર કરવામાં આવે. કે. એમ. જોસેફને સુપ્રીમ કોર્ટના જજ નહીં બનાવવા મુદ્દે કેન્દ્ર સરકારે તર્ક આપ્યો છે કે, જો આ હોદ્દા પર તેમની નિમણૂક કરવામાં આવશે તો તે અન્ય સિનિયર જજો સાથે અન્યાય થયો ગણાશે. આ મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર પર હુમલો કરતા કહ્યું છે કે, કે. એમ. જોસેફે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો ભાજપનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. જેથી આ નિર્ણયનો તેઓ બદલો લઈ રહ્યા છે.
જોકે, કોલાજિયમના વડા તરીકેના હોદ્દાની રૂએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કેન્દ્ર સરકારના નિર્ણયની તરફેણ કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ મંજૂર કરેલા કોલાજિયમના પ્રસ્તાવ ફગાવવાનો કેન્દ્રને હક છે. એવી જ રીતે, કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પણ કહ્યું હતું કે, હાલના સંજોગોમાં ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફની સુપ્રીમ કોર્ટના જજ તરીકેની નિમણૂક અયોગ્ય ગણાય. કોલાજિયમે કે. એમ. જોસેફ પછી સિનિયર એડવોકેટ ઇન્દુ મલહોત્રાનું પણ સુપ્રીમના જજ તરીકે સૂચન કર્યું હતું.
આ વિવાદ વચ્ચે સુપ્રીમે જજ તરીકે ઇન્દુ મલહોત્રાના નામ પર મ્હોર લગાવી દીધી હતી. જોકે, કેન્દ્રે પ્રસ્તાવ ફગાવતા કોંગ્રેસ સહિતના કેટલાક વિપક્ષોએ જોરદાર વિરોધ કર્યો છે. કોંગ્રેસના નેતા કપિલ સિબલે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, ભારતીય ન્યાયતંત્ર ખતરામાં છે. જો ન્યાયતંત્ર પોતે જ તેની સ્વતંત્રતા માટે એકજૂટ નહીં થાય તો લોકશાહી ખતરામાં મૂકાઈ જશે. ભાજપ ન્યાયતંત્રમાં પણ તેના લોકોને ભરવા માંગે છે. સૂરજેવાલાએ પણ સિબલની વાતમાં સૂર પૂરાવતા કહ્યું હતું કે, જો દેશ કેન્દ્રના આ નિર્ણયનો વિરોધ નહીં કરે તો લોકતંત્ર ખતમ થઇ જશે.