પટણા : બિહારના વિવિધ જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને વીજળી પડવાના કારણે જાનહાનિ થઈ છે. નાલંદામાં ૧૮, સિવાનમાં ૨, કટિહાર, દરભંગા, બેગુસરાય, ભાગલપુર અને જહાનાબાદમાં ૧-૧ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુ:ખદ ઘડીમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે ઉભી છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ મૃતકોના પરિવારોને ૪ લાખ રૂપિયાની મદદ કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે. આ સાથે મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને ખરાબ હવામાન દરમિયાન સંપૂર્ણપણે સતર્ક રહેવા અપીલ કરી છે. તેમણે લોકોને સમયાંતરે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચનાનું પાલન કરવા અને ખરાબ હવામાન દરમિયાન ઘરની અંદર સુરક્ષિત રહેવા વિનંતી કરી છે.
હવામાન વિભાગ ની આગાહી અનુસાર, આ જિલ્લાઓમાં ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ સિસ્ટમ ૧૨ એપ્રિલ સુધી અસરકારક રહેશે. આ સમયગાળા દરમિયાન પટના અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. બુધવારે સાંજે પટનામાં પણ આંશિક વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં આંશિક વરસાદ પડ્યો હતો. પટણામાં પણ ૧૩ એપ્રિલ સુધી હવામાન સામાન્ય રહેશે. દિવસની શરૂઆતમાં, પૂર્વીય પવનોને કારણે ભેજવાળી ગરમી પટણા સહિત ઘણા જિલ્લાઓમાં વધારે પડી. પટનાનું મહત્તમ તાપમાન ૧.૨ ડિગ્રીના ઘટાડા સાથે ૩૪.૮ ડિગ્રી નોંધાયું હતું. ગયામાં રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન ૩૭.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.