નવીદિલ્હીઃ કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક લઘુત્તમ જમા રકમની મર્યાદાને ૧૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૨૫૦ રૂપિયા કરી દીધી છે. હવે વાર્ષિક ૨૫૦ રૂપિયા પણ જમા કરી શકાશે. પહેલા ૧૦૦૦ રૂપિયાની લિમિટ રાખવામાં આવી હતી. સરકારના આ પગલાથી પોલિસી લેનારની સંખ્યામાં વધારો થઇ શકે છે.
ગર્લ ચાઇલ્ડના નામ ઉપર આ બચત સ્કીમને મોદી સરકારની અવધિમાં શરૂ કરવામાં આવી છે. સરકારે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ રુલ્સ ૨૦૧૬માં સુધારા કર્યા છે. આ સુધારા મુજબ હવે ૨૫૦ રૂપિયા પણ વાર્ષિક જમા કરીને પોલિસી લઇ શકાય છે.
૨૦૧૮-૧૯નું બજેટ રજૂ કરતા સમયે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, આ સ્કીમ મોદી સરકારની મોટી સફળતાઓ પૈકી એક છે. જેટલીએ બજેટમાં કહ્યું હતું કે, નવેમ્બર ૨૦૧૭ સુધી આ સ્કીમ હેઠળ ૧.૨૦ કરોડ ખાતા ખોલી દેવામાં આવ્યા છે અને તેમાં ૧૯૧૮૩ કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
પીપીએફ અને અન્ય નાની બચત યોજનાઓની જેમ આ સ્કીમમાં વ્યાજદર પણ ત્રિમાસિક આધાર પર નક્કી કરવામાં આવે છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે આ સ્કીમમાં વ્યાજદરનો આંકડો ૮.૧ ટકા નક્કી કરવામાં આવ્યો છે. સ્કીમ મુજબ ગર્લ ચાઇલ્ડની ૧૦ વર્ષ સુધીની વયમાં તેને કાયદાકીય અભિભાવક અથવા તો માતા-પિતા તેના નામ ઉપર એકાઉન્ટ ખોલાવી શકે છે.
સરકારના નોટિફીકેશન મુજબ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કોઇપણ પોસ્ટઓફિસ બ્રાંચ અને સરકારી બેંકમાં ખાતુ ખોલાવી શકાય છે. વાર્ષિક ૨૫૦ રૂપિયા જમા કરવાની જાહેરાત કરાયા બાદ આ પોલિસી લેનારની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.