ભાવનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. જિલ્લા અને શહેરનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આગ ઝરતી ગરમી વચ્ચે બપોર અચાનક વાતાવરણમાં પલટો આવતાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો. ભર ઉનાળે ચોમાસાની માફક વાદળો છવાયા હતા અને ગાજવીજ સાથે વરસાદ છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે હાલ ધરતીપુત્રોનો ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભિતિ છે. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં શહેરીજનોને ગરમીમાં રાહતનો અનુભવ થયો છે.
જો કે, તળાજા તાલુકાના વાતાવરણમાં છેલ્લા 48 કલાકથી પલટો આવ્યો હતો. વહેલા સવારના પાંચવાગે સુસવાટા મારતા પવન ફૂંકાયો હતો. મહારાષ્ટ્રમા ઉભા થયેલા વાતાવરણની અસર છેક ગોહિલવાડ સુધી પહોંચી છે. ચૈત્ર માસના પ્રારંભે જ અસહ્ય ગરમી પડવાના બદલે પવનની ગતિમા વધારો સાથે ઠંડી પડી રહી છે. ગતરાત્રે બોક્સ ક્રિકેટના ખેલાડીઓએ જણાવ્યું હતુ કે, રાત્રી દરમિયાન ઠંડો પવન ફૂંકાવવાના કારણે ઘરેથી ગરમ વસ્ત્રો લાવવાની ફરજ પડી હતી તો ઘરની અંદરના પંખાઓ બંધ કરવા પડ્યા હતા.
વહેલી સવારે ૫ વાગે તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી. વાડીમા અઢીસો જેટલા આંબાનો બાગાયતી પાક લેનાર એક ખેડૂતે જણાવ્યું હતુ કે, ભારે પવનના કારણે ખાખટી આંબા પરથી ખરી રહી છે. આ રીતે સતત પવન અને તેમાંય માવઠું થયું તો મોર, ખાખટી અને કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.