ઝારખંડના પાટનગર રાંચીમાં ૨૩ દિવસની એક નવજાત બાળકીના પેટમાંથી આઠ ભ્રૂણ મળી આવ્યા છે. અહીંના ડોક્ટર્સનો દાવો છે કે કદાચ સમગ્ર દુનિયામાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. મેડિકલ ટર્મમાં બાળકના પેટમાં ભ્રૂણ મળી આવવાના મામલાને ફીટસ ઈન ફીટૂ કહેવાય છે. નવજાત બાળકના પેટમાં એક કે બે ભ્રૂણના કેસ રેર હોય છે, પરંતુ આવા કેસ અનેક જગ્યાએ આવ્યા છે. એક સાથે ૮ ભ્રૂણ મળવાનો પોતાની રીતે આવો પહેલો મામલો સામે આવ્યા બાદ ડોક્ટરો પણ અવાક થઈ ગયા છે. શહેરના રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઓપરેશન બાદ બાળકીના પેટમાંથી તમામ ભ્રૂણ કાઢી નાખવામાં આવ્યા છે. બાળકી ઝારખંડના રામગઢની રહીશ છે.
૧૦ ઓક્ટોબરના રોજ તેનો જન્મ થયો ત્યારથી પેટમાં સોજાના પગલે તેને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેનના આધારે એવું માનવામાં આવ્યું કે બાળકીના પેટમાં ડર્માઈટ સિસ્ટ થઈ હોઈ શકે છે. પ્રાથમિક સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી. બુધવારે તેનું ઓપરેશન થયું તો એક સાથે આઠ ભ્રૂણ કાઢવામાં આવ્યા. બાળકીનું ઓપરેશન કરનારા પીડિયાટ્રિક એક્સપર્ટ ડો.ઈમરાનના જણાવ્યાં મુજબ દુનિયામાં ૫-૧૦ લાખ બાળકોમાંથી કોઈ એકમાં આવો ફીટસ ઈન ફીટૂ કેસ સામે આવે છે. અત્યાર સુધીમાં આવા ૨૦૦થી પણ ઓછા કેસ મળ્યા છે. હકીકતમાં ગર્ભમાં જ્યારે એક કરતા વધુ બાળક ઉછરી રહ્યા હોય છે ત્યારે ભ્રૂણના વિકાસ સમયે બીજા ભ્રૂણના સેલ્સ કોઈ એક ભ્રૂણની અંદર જતા રહે છે. જેનાથી ગર્ભસ્થ બાળકના પેટમાં હજ બીજુ બાળક ઉછરવા લાગે છે. તેના કારણો પર દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યું છે પણ તેને લઈને અત્યાર સુધી કોઈ નક્કર તારણ પર પહોંચી શકાયું નથી. હવે એક સાથે બાળકના પેટમાં આટલી મોટી સંખ્યામાં ભ્રૂણ મળી આવવું એ પોતાનામાં એક દુર્લભ કેસ છે.