બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થયા બાદથી જબરજસ્ત વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મના ડાયલોગ્સ અને ઘણા સીન્સને લઇને પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેવામાં હવે આ ફિલ્મ પર વધુ એક મુસીબત આવી છે. આદિપુરુષ વિરુદ્ધ હવે ઓલ ઇન્ડિયા સિને વર્કર એસોસિએશને (AICWA) પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં આદિપુરુષમાં બતાવવામાં આવેલી ખોટી વાતોને વિગતવાર લખવામાં આવી છે અને તેના ડાયરેક્ટર ઓમ રાઉત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ફિલ્મ પર બેન લગાવવાની માંગ કરવામાં આવી છે. AICWAના અધ્યક્ષ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ PM મોદીને મોકલેલા પત્રમાં લખ્યું છે કે ‘PM મોદીને વિનંતી છે કે આદિપુરુષ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવવામાં આવે, આ આપણી રામાયણ નથી. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનની માંગ છે કે ફિલ્મ આદિપુરુષની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે. ફિલ્મના સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ સ્પષ્ટપણે ભગવાન રામ અને હનુમાનનું અપમાન કરે છે. આદિપુરુષ હિન્દુ અને સનાતન ધર્મની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. આ પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે ‘પ્રભુ શ્રી રામ ભારતમાં દરેક વ્યક્તિ માટે ભગવાન છે, ભગવાન રામ અને રાવણ પણ ફિલ્મમાં વીડિયો ગેમના કેરેક્ટર જેવા લાગે છે. તેના ડાયલોગ્સ પણ દુનિયાભરના ભારતીય લોકોને ઠેસ પહોંચાડી રહ્યા છે.
અમે માનનીય વડા પ્રધાનને વિનંતી કરીએ છીએ કે તેઓ આ ફિલ્મના સ્ક્રીનિંગ પર રોક લગાવે અને ભવિષ્યમાં તેને OTT અથવા કોઈપણ પ્લેટફોર્મ પર રિલીઝ થતી અટકાવે. પત્રમાં લખવામાં આવ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મના ડાયરેક્ટર (ઓમ રાઉત), લેખક (મનોજ મુન્તાશીર) અને પ્રોડ્યુસર વિરુદ્ધ એફઆઈઆર ફાઇલ કરવામાં આવે અને ભગવાન શ્રી રામ, માતા સીતા અને રામસેવક ભગવાન હનુમાનની છબીને બચાવવામાં આવે. એક્ટર પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાને ઇતિહાસની સૌથી શરમજનક ફિલ્મનો ભાગ બનવું જોઇતું ન હતું. ‘આદિપુરુષ’ એ શ્રી રામ અને રામાયણને લઇને આપણી આસ્થા પર હુમલો છે.