ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી સેટેલાઇટ રિસેટ-૨બીઆર-૧ લોંચ કરી દેતા ઉત્સુકતા વધી હતી. આ સેટેલાઇટને પીએસએલવી-૪૮ રોકેટ મારફતે લોંચ કરવામાં આવ્યા હતા. આ સેટેલાઇટની સાથે નવ અન્ય સેટેલાઇટ પણ મોકલવામાં આવ્યા છે. રિસેટ-૨બીઆર-૧ એક રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે જેનું વજન ૬૨૮ કિલોગ્રામ છે. પીએસએલવીની આ ૫૦મી ઉંડાણ હતી. કૃષિ, વન્ય અને હોનારતના મામલામાં આ ઉપયોગી રહેશે. આસમાનથી લઇને સરહદ સુધી રિસેટ-૨બીઆર-૧ બાજ નજર રાખશે. આમા અતિઆધુનિક કેમેરા લાગેલા છે. ૫૦૯ કિલોમીટરની ઉંચાઈથી ખુબ સ્પષ્ટ ફોટા લઇ શકાશે. પીએસએલવી-સી૪૮ દ્વારા નવ કોમર્શિયલ સેટેલાઇટને લોંચ કરી દેવામાં આવ્યા છે. જે સેટેલાઇટ લોંચ કરવામાં આવ્યા છે તેમાં અમેરિકાના છ, ઇઝરાયેલના એક, ઇટાલીના એક, જાપાનના એક ઉપગ્રહોનો સમાવેશ થાય છે. શ્રીહરિકોટા સ્પેસ પોર્ટ ખાતેથી આ લોંચ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પીએસએલવીના ૫૦માં મિશનને લઇને છેલ્લા કેટલાક દિવસથી જોરદાર તૈયારી શ્રીહરિકોટા ખાતે ચાલી રહી હતી.
ઇસરો ચારથી પાંચ એડવાન્સ રિસેટ સિરિઝના સેટેલાઇટ પણ લોંચ કરવાની યોજના ધરાવે છે જે પૈકી એક લોંચ પ્રક્રિયા ૨૨મી મેના દિવસે હાથ ધરાશે. અંતરિક્ષમાં ચાર રિસેટ સેટેલાઇટ સુરક્ષા દળોને પણ દરરોજના આધાર પર ખાસ જગ્યા પર ધ્યાન રાખવા મદદરુપ થશે. રિસેટ સેટેલાઇટની સમગ્ર શ્રેણી ખુબ જ અસરકારક રહેશે. આનાથી રાત્રિ ગાળામાં પણ અથવા તો વાદળછાયા માહોલમાં પણ જગ્યાને સારીરીતે જોઈ શકાશે. ૨૪ કલાક સુધી સરહદ પર નજર રાખવામાં મદદ મળશે. ઘુસણખોરીને રોકવામાં મદદ મળશે.
સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર ચાંપતી નજર રાખી શકાશે. રિસેટની જુની આવૃત્તિના ફોટાઓનો ઉપયોગ ૨૦૧૬માં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદી લોંચ પેડ પર સર્જિકલ હુમલા કરવા માટે કરવામાં આવ્યો હતો. હવે આતંકવાદી ગતિવિધિ પર વધારે મજબૂતરીતે નજર રાખી શકાશે. સેટેલાઇટમાં શક્તિશાળી કેમેરાઓ રાખવામાં આવ્યા છે. રિસેટ-૨બીઆર૧નું વજન ૬૨૮ કિલોગ્રામ છે અને તેની અવધિ પાંચ વર્ષની છે. જાસુસીની ક્ષમતા ઉપરાંત ઉપગ્રહ બધી હવામાનની સ્થિતિમાં કામ લાગશે. કૃષિ, વન્ય વિસ્તાર-ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેના સ્પષ્ટ ફોટાઓ ઉપયોગી બની રહેશે.