Trending News: ચીનમાં એક ફૂડ ડિલિવરી બોય એ એવું કામ કરી બતાવ્યું છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યુવાને છેલ્લા પાંચ વર્ષમાં 1.12 મિલિયન યુઆન (US$160,000/1.5 કરોડ રૂપિયા) બચાવ્યાં છે. જેના માટે તેના વખાણ થઈ રહ્યાં છે.
25 વર્ષીય ઝાંગ ઝુએકિયાંગ 2020માં એક મોટા પ્લેટફોર્મ પર ડિલિવરીનું કામ કરવા માટે શાંઘાઈ આવ્યો હતો. તેણે આ નિર્ણય ત્યારે લીધો હતો, જ્યારે દક્ષિણ-પૂર્વી ચીનના ફુજિયાન પ્રાંતમાં આવેલા તેમના વતન ઝાંગઝોઉમાં તેમની અને તેમના મિત્ર દ્વારા ચલાવાતી ખાવાની દુકાન બંધ થઈ ગઈ હતી, જેના કારણે તેમના પર 50,000 યુઆન (અંદાજે US$7,000)નું કર્જ ચડી ગયું હતું.
કેવી રીતે કરી એટલી બચત?
નવેમ્બરનાં અંતમાં ઝાંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં ડિલિવરીના કામથી 1.4 મિલિયન યુઆન કમાયા છે. ઝાંગે શિનમિન ઈવનિંગ ન્યૂઝને જણાવ્યું કે તેમણે પોતાનું કર્જ ચૂકવી દીધું છે અને રહેવા-ખાવાના ખર્ચમાં કાપ મૂક્યા બાદ તેઓ 1.12 મિલિયન યુઆનની બચત કરવામાં સફળ રહ્યા છે.
દિવસમાં લગભગ 13 કલાક કામ
ઝાંગે કહ્યું, “અત્યંત જરૂરી રોજિંદી વસ્તુઓ સિવાય મારો કોઈ અન્ય ખર્ચ નથી. હું સપ્તાહના સાતે દિવસ, દિવસમાં લગભગ 13 કલાક કામ કરું છું. ખાવા અને સૂવા સિવાયનો મારો સમગ્ર સમય હું ગ્રાહકો સુધી ખોરાક પહોંચાડવામાં વિતાવું છું.” તેઓ ચીની સ્પ્રિંગ ફેસ્ટિવલની રજાઓ દરમિયાન માત્ર થોડા દિવસો માટે જ ડ્યુટી પરથી રજા લે છે.
અત્યાર સુધી 3,24,000 કિમી અંતર કાપ્યું
ઝાંગ સવારે 10.40 વાગ્યે કામ શરૂ કરે છે અને રાત્રે 1 વાગ્યે કામ પૂર્ણ કરે છે. પોતાની પાસે પૂરતી ઊર્જા રહે તે માટે તેઓ દરરોજ 8.5 કલાક ઊંઘ લે છે. તેમણે જણાવ્યું કે તેઓ ઘણીવાર એક મહિને 300થી વધુ ઓર્ડર પૂર્ણ કરે છે, જેમાં દરેક ઓર્ડરમાં સરેરાશ 25 મિનિટ લાગે છે. કુલ મળીને તેમણે ડિલિવરી દરમિયાન 3,24,000 કિલોમીટરનું અંતર કાપ્યું છે.
સાથીઓ કહે છે “ઓર્ડર કિંગ”
ઝાંગના સહકર્મીઓ તેમને “ગ્રેટ ગોડ” અથવા “ઓર્ડર કિંગ” તરીકે ઓળખે છે. શાંઘાઈના મિનહાંગ જિલ્લામાં જ્યાં ઝાંગ કામ કરે છે ત્યાંના ડિલિવરી સ્ટેશનના ડિરેક્ટર યાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “તે બહુ વાત કરતો નથી, બસ સતત ખોરાક પહોંચાડવામાં વ્યસ્ત રહે છે. મેં તેને ક્યારેય ચાલતા નથી જોયો, તે હંમેશાં દોડતો જ રહે છે.”
ઝાંગે જણાવ્યું કે તેમણે પોતાની કહાની ઑનલાઈન શેર કરી કારણ કે તેઓ પોતાની સિદ્ધિથી ખુશ છે. ઝાંગે કહ્યું, “આખરે મેં સખત મહેનત કરીને મારું કર્જ ચૂકવી દીધું છે અને સારી એવી બચત પણ કરી લીધી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ આવતા વર્ષની શરૂઆતના છ મહિનામાં શાંઘાઈમાં બે ખાવાની દુકાનો ખોલવાની યોજના ધરાવે છે.
