જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે સાથે સાથે તેને જન્મઆપનાર બંને વ્યક્તિઓનો પણ નવો જન્મ થાય છે, માતા પિતા તરીકે. બાળકનાં જન્મ પહેલા જેઓ માત્ર પતિ પત્ની તરીકે રહેતા હોય, તેઓ હવે પ્રાયોરીટી બદલીને પહેલા તેમનાં સંતાનનાં માતા પિતા તરીકેનો રોલ નીભાવતા થઈ જાય છે. કોઈપણ દંપતીનાં જીવનમાં સંતાનએ ખુશીઓનો ખજાનો હોય છે. તો ચલો જોઈએ કે આ ખજાનાની માવજત આપણે કેવી રીતે કરીએ છીએ.
સંતાન પ્રાપ્તિ માટે દરેક દંપતીએ લાખો સપના સજાવ્યા હોય છે. સંતાન આવી જાય પછી તો દિવસે દિવસે આ સપનામાં વધારો જ થતો જાય છે. કુદરતની આ અમૂલ્ય ભેટ પર મા-બાપ સર્વસ્વ લૂટાવવા તૈયાર થઈ જાય છે. સંતાનને ઉછેરવામાં, મોટા કરવામાં, તેમને ભણાવવા ગણાવવામાં કોઈ કસર છોડતા નથી. પેટે પાટા બાંધીને પણ સંતાનની જરૂરિયાતો પૂરી કરતાં હોય છે. આ તમામ બાબત સાચી છે પણ જ્યારે જીવનની ગાડી રીવર્સ ગેર પકડે ત્યારે આ ત્યાગભાવના કેમ સંકુચિત થઈ જતી હશે.
અરુણાબહેન અને કમલેશભાઈને એક દિકરો. પોતાની હેસિયત કરતાં વધારે જ મોટી શાળામાં ભણાવ્યો. તેની એકેએક જરૂરિયાત પૂરી કરવા કેવી રીતે ચાદરનાં બધા છેડા ભેગા કરે.. તે પરિસ્થિતિથી સૌ કોઈ વાકેફ હતા. ભણાવી ગણાવીને એન્જિનિયર બનાવ્યો. લગ્ન કરાવ્યા. હવે દિકરાને આગળ પ્રગતિ માટે વિદેશમાં જઈને સેટ થવું છે. તે છેલ્લા બે વર્ષથી માતા પિતાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મા બાપ તેની સામે રદિયો જ આપે છે. કમલેશભાઈ અને અરુણાબહેનનું માનવું છે કે અમે આટલા વર્ષો અને આટલા પૈસા તેના માટે ખર્ચ્યા છે અને હવે અમારે તેની જરૂર પડે ત્યારે તેને વિદેશ મોકલી દેવાનો….! આ કેવુ ઈન્વેસ્ટમેન્ટ કહેવાય…! પંખીઓ પણ તેનાં બચ્ચાને ચાંચમાં લઈ લઈને ખવડાવે છે અને તેનું જતન કરે છે. બચ્ચુ થોડુક મોટુ થાય એટલે તેને જાતે જ ઉડવા દે છે અને તે માળામાંથી ઉડી જાય છે તેની નવી દુનિયા બનાવે છે. ત્યારે પંખી તો એવુ નથી વિચારતા કે અમારા બુઢાપાની લાઠી કોણ બનશે, તો માનવ કેમ?
રસિકાબહેનને પતિનાં મૃત્યુ પછી એકલા હાથે ત્રણ બાળકોને મોટા કર્યાં. મોટા દિકરાનાં લગ્ન કરાવ્યા. હવે દિકરો તેની પત્ની માટે કંઈ પણ ખરીદી કરે કે તેનાં માટે વિચારે તો રસિકાબહેન નારાજ થઈ જાય છે….તેમને એવુ લાગે છે કે મેં આટલી સ્ટ્રગલ કરી અને જલસા કાલની આવેલી છોકરી કરે છે. શું મારા દિકરાએ એ વિચાર ન કરવો જોઈએ કે તેની પ્રાયોરિટી માત્ર હું જ હોઉ….રસિકાબહેનનાં આ હઠાગ્રહે આજે દિકરાનાં છૂટાછેડા સુધી વાત પહોંચાડી છે. આપણાં સમાજમાં આવા કેટલાય કિસ્સા છે, બેશક તેમાંનાં અમુક કિસ્સામાં સંતાનનો વાંક હશે પરંતુ એવા કિસ્સા પણ છે જેમાં માતા પિતાની અપેક્ષા, જીદ્દ કે ઈગોને કારણે સંસાર ડોળવાતા હોય છે. ઈશ્વરે જ્યારે આપણને સંતાન પ્રાપ્તિનું સૌભાગ્ય આપ્યું છે તો માત્ર તેને માણીએ…આપણા બાળકોનાં ઉછેરનો લાહ્વો લઈએ…નહીં કે તેને ભવિષ્યનાં ઈન્વેસ્ટમેન્ટની રીતે જોઈએ. જ્યારે આપણે સંતાનનો ઉછેર કરીએ છીએ ત્યારે નિસ્વાર્થ રીતે કરીએ છીએ તો વૃધ્ધાવસ્થા આવતા જ કેમ એ વિચારો બદલાઈ જાય છે અને અપેક્ષાઓ વધી જાય છે…..વિચાર કરી જો જો..
- પ્રકૃતિ ઠાકર