અમદાવાદ : સને ૧૯૬૨માં બનેલા સાબરમતી નદી પરના સુભાષબ્રીજના એક્સપાન્શન ગેપ પહોળા થઇ જતાં જૂની બેરિંગ બદલવાની જરૂરિયાત હવે ઉભી થઇ છે. જેને પગલે સાબરમતી નદી પર બનેલા ૫૬ વર્ષ જુના સુભાષબ્રીજના રિપેરીંગ-સમારકામની કામગીરી રૂ.૨.૨૫ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
જેના પગલે હવે દર રવિવારે સુભાષબ્રિજ વાહન-વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રખાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજના એકસ્પાન્શન જાઇન્ટ અને બેરિંગ બદલવાની કામગીરી કરવાનું આયોજન હાથ ધરાયું છે. જેના પરિણામસ્વરૂપ, આગામી બે મહિના સુધી દર રવિવારે સુભાષબ્રિજ બંધ રાખવામાં આવશે. જેથી તે દિવસ પૂરતું તમામ પ્રકારના વાહનોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે, સને ૧૯૬૨માં બનેલા સાબરમતી નદી પરના સુભાષબ્રીજનાં એક્સ્પાન્શન ગેપ પહોળા થઇ ગયા છે. બ્રીજના ઉપરના ભાગમાં મોટી તિરાડો પડી છે. આ તિરાડ વાહનચાલકો માટે ભયજનક બની રહી છે. સાથે સાથે બ્રીજની બેરીંગ જૂની થઈ ગઈ છે. તંત્રના એક સર્વે મુજબ, સુભાષબ્રીજના નાના-મોટા બેરીંગની પોઝીશન બદલાઈ હોઇ ૪૦ એમએમનો એક્સ્પાન્શન ગેપ વધીને ૬૦ એમએમથી વધુ થઇ ગયો છે.
દરમ્યાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સુભાષબ્રીજના રિપેરીંગ માટે દર રવિવાર નક્કી કરવામાં આવ્યો છે. બેરીંગ ખૂબ જ જૂની થઈ ગઈ હોઈ તેને ગ્રીસિંગથી સાફ કરીને બેરીંગની મૂવમેન્ટને સરળ કરવાની કામગીરી કરવામાં આવશે. સમારકામ માટે સુભાષબ્રિજ બંધ રાખવો પડે તેમ છે. જો કે, લોકોને બહુ હાલાકી ન પડે અને રવિવારે ટ્રાફિક ઓછો હોવાથી દર રવિવારે સવારથી રાત સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ રખાશે. શાહીબાગથી આરટીઓ જવા રિવરફ્રન્ટ થઈ દધીચિ બ્રિજથી વાડજ જઈ શકશે. રિવરફ્રન્ટના રોડથી દધીચિ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. ભારે વાહનો દ્વારા શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસથી દધીચિ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.
સુભાષબ્રિજને રિપેરિંગ માટે ઊંચો કરવા ૧૫૦ ટનની ક્ષમતા ધરાવતા ૮ હાઇડ્રોલિક જેક મશીન તેમજ ૨૦ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ૧૪ હાઇડ્રોલિક જેક મશીનને કામે લગાડાશે. આ માટે કોર્પોરેશન દ્વારા રૂ.૨.૨૫ કરોડના ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવશે. સુભાષબ્રિજના રિપેરીંગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા નહેરુબ્રિજના રિપેરીંગની કામગીરી આ જ પ્રકારે હાથ ધરવાનું પણ આયોજન છે.