અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ શહેરની જૂની અને જાણીતી સી યુ શાહ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ જર્જરિત થતા વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન ભણાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની નોટિસ બાદ લેવાયેલ ર્નિણયથી વિદ્યાર્થીઓ નારાજ છે અને વૈકલ્પિક વ્યવસ્થા કે ૫૦ ટકા ફી પરત કરવાની માંગણી કરી રહ્યા છે. તો સંચાલકો જે વિદ્યાર્થીઓને એનઓસી લેવું હોય એને આપવાની તૈયારી દર્શાવી છે. આશ્રમ રોડ પર આવેલ સી યુ શાહ કોલેજને નવેમ્બર ૨૦૨૨માં મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી એમનું બિલ્ડીંગ ભયજનક હોવાનું જણાવ્યું હતું. કોલેજ સંચાલકોએ સ્ટ્રક્ચર એન્જિનિયરની નિમણુક કરી યુનિવર્સિટીને પહેલા વર્ષના એડમિશન નહીં ફાળવવા રજૂઆત કરી હતી. જો કે બાદમાં સ્ટ્રક્ચર રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે બિલ્ડિંગમાં પ્રવેશ કરવો પ્રતિબંધિત થવો જોઈએ.. રિપોર્ટના થોડા જ દિવસોમાં યુનિવર્સીટીએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેતા કોલેજ સંચાલકો હાઇકોર્ટમાં ગયા કે કોલેજ બંધ કરવા મંજૂરી અપાય.