BCCI એશિયા કપ માટે પાક.ના હાઇબ્રિડ મોડેલનું સમર્થન નહીં કરે તેવી પ્રબળ શક્યતા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આગામી એશિયા કપ માટે પાકિસ્તાન બોર્ડના વડા નજમ શેઠીએ સુચવેલા હાયબ્રિડ મોડેલનું સમર્થન નહીં કરે તેવી પ્રબળ શક્યતા છે. પાક. બોર્ડ દ્વારા એશિયા કપ માટે જે હાયબ્રિડ મોડેલનું સુચન કરાયું હતું તે મુજબ ચાર પ્રારંભિક મેચો અને સુપર ફોર રાઉન્ડની બે મેચો પાકિસ્તાનમાં યોજવા જણાવાયું હતું જ્યારે ભારતની મેચો તથા ફાઈનલ તટસ્થ સ્થળે રમાડવા જણાવાયું હતું.  એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે અમદાવાદમાં આઈપીએલ ફાઈનલ પૂર્વે ઉપખંડના કેટલાક બોર્ડ સભ્યો સાથે વાતચીત કરી હોવાનું માનવામાં આવે છે. જેમાં જય શાહે ભારતીય બોર્ડના વલણ અંગે સ્પષ્ટતા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એશિયા કપને તટસ્થ સ્થળે રમાડવા માટે એસીસી દ્વારા અંતિમ ર્નિણય લેવાશે. એસીસી એક્ઝિક્યુટિવ બોર્ડ બેઠકમાં આગામી સમયમાં ર્નિણય લેવાશે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે.

શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં મેચ રમવા મુદ્દે તેમને કોઈ વાંધો નહીં હોવાનું પીસીબીને જણાવ્યું છે. જો કે ભારતીય બોર્ડે પાક.ના હાયબ્રિડ મોડેલનું સમર્થન કર્યું નથી. એસીસી એક્ઝિક્યુટિવ બોડીમાં ૨૫ સભ્યો છે જેમાં પાંચ ટેસ્ટ રમતા દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે તેમજ ત્રણ વન-ડે અને ટી૨૦નો દરજ્જો ધરાવતા તથા ૧૭ ફક્ત ટી૨૦ રમતા સભ્યોનો સમાવેશ થાય છે. એસીસીના સભ્યએ જણાવ્યું હતું કે, એશિયા કપ મામલે કોઈ વચગાળાનો રસ્તો શોધવો જરૂરી છે તેના માટે વોટિંગ કોઈ વિકલ્પ નથી. છ રાષ્ટ્રો ટુર્નામેન્ટ રમે છે તો બાકીના ૧૯ રાષ્ટ્રો જે આ ટુર્નામેન્ટ નથી રમતા તેમના મતનું શું થશે. તેઓ ટુર્નામેન્ટ નથી રમી રહ્યા તો ક્યા આધારે વોટ આપશે.

Share This Article