પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના રેલવેના કર્મચારીઓએ તેમની કેટલીક માંગણીઓને લઇને મંગળવારે અમદાવાદ ડીઆરએમ કચેરી ખાતે ધરણા-પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ કામથી દુર રહીને કચેરીના પ્રાંગણમાં જ અચોક્સ મુદતની ભુખ હડતાળ પર ઉતરી ગયા હતા. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા ભુખ હડતાળ અને ધરણા-પ્રદર્શનનું એલાન કરાયું છે.
આ અંગે યુનિયનના મંત્રી એચ.એસ.પાલના જણાવ્યા મુજબ અમદાવાદ, હિંમતનગર, ખેડબ્રહ્મા રેલવે લાઇનનું ગેજ પરિવર્તનનું કામ ચાલી રહ્યું છે. અહીંયા કામ કરતા ટ્રેકમેનો અને ગેટમેનોને બીજા વિભાગોમાં અસ્થાઇ રૃપે મોકલી અપાયા હતા. આ કર્મચારીઓની સિનિયોરીટી પર વિપરીત અસર થતી હોઇ તેઓને આ રૃટ ચાલુ થયે પોતાની મૂળ જગ્યાએ પરત લાવવાની માંગણી છે. રેલવે ટ્રેકની ચકાસણી માટે કી-મેનની જગ્યા ખાલી પડી રહી છે. તેને તાત્કાલિક ભરવાની માંગણી કરાઇ છે. ટ્રેકમેનોને બીજા વિભાગોમાં સમાવવાના ૧૦ ટકાના ક્વોટાનો અમલ કરવા કર્મચારીઓ આંદોલન પર ઉતરી ગયા છે.