અમદાવાદ : બિઝનેસ, નોકરી કે અન્ય ક્ષેત્રે આજે મહિલાઓ લીડ કરતી જોવા મળે છે. આજના સમયમાં મહિલાઓ પુરુષથી કદમથી કદમ મળાવીને ચાલે છે. એમ કહેવું પણ ખોટું નહી કહેવાય કે મહિલાઓ પુરુષો કરતા પણ અનેક ક્ષેત્રોમાં આગળ નીકળી ગઇ છે. સમાજમાં આવી અનેક સ્ત્રીઓ હશે જે બિઝનેસ કરવા માટે સક્ષમ છે પણ તેમને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તથા એવી અનેક સ્ત્રીઓ જે હાલ બિઝનેસ તો કરે છે પણ તેને ડેવલપ કરવા માટે તક નથી મળી રહી. આવી મહિલાઓ માટે અમદાવાદમાં હવે ‘સ્ત્રીત્વ’ નામક એક અનોખી ક્લબની શરૂઆત કરવામાં આવી છે, જે બિઝનેસ વીમેન માટે કાર્યરત છે.
‘સ્ત્રીત્વ’ એ બિઝનેસ વીમેન માટેની એક્સક્લુઝિવ ક્લબ છે, જેમાં બિઝનેસ વૂમનનો યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. ‘સ્ત્રીત્વ’ દ્વારા બિઝનેસ માટે જરૂરી ફાયનાન્સિયલ સપોર્ટ કરવો, બિઝનેસ ડેવલપમેન્ટ માટે જરૂરી તકો પૂરી પાડવી, બિઝનેસ ઓન્ત્રપ્રેન્યૌર દ્વારા મોટીવેશનલ સેશનનું આયોજન કરવું, મહિલાઓને સોશ્યલી પ્રવૃત્તિઓ માટે પણ પ્રેરણા પૂરી પાડવી વગેરે જેવી અનેક કામગીરી હાથ ધરવામાં આવશે.
‘સ્ત્રીત્વ’ ક્લબના ફાઉન્ડર શ્રી ફાલ્ગુન ઠક્કરે જણાવ્યું કે, “સ્ત્રી એ અનેક તત્વોથી ભરેલી છે – દયા, આત્મવિશ્વાસ, મદદરૂપ થવાની ભાવના, સ્વતંત્ર, આદર, ધીરજ, ગંભીર, સશક્ત, વફાદાર, નિષ્ઠા, બૌદ્ધિકતા. દૈનિક જીવનમાં તો આપણે સ્ત્રીના આ તમામ તત્વોને અનુભવીએ છીએ, પણ આ જ તત્વોને સ્ત્રી બિઝનેસમાં અજમાવે તો બિઝનેસમાં પણ તેનો ગ્રોથ શક્ય છે. આથી મહિલાઓ માટે એક એવા પ્લેટફોર્મની જરૂર હતી જે તેમને જરૂરી પ્લેટફોર્મ પૂરુ પાડે અને એ જ આશયથી ‘સ્ત્રીત્વ’ની શરૂઆત કરવામાં આવી છે. હાલ ૩૦થી વધુ બિઝનેસ કરતી મહિલાઓ આ ક્લબમાં જોડાઇ ચૂકી છે.”