ગાંધીનગર : અમદાવાદ અને ગાંધીનગર ટ્વીન સિટીમાં લક્ઝરી અને ભવ્યતાના પ્રતિક, ‘ધી લીલા ગાંધીનગર’ દ્વારા તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, ધ સિટ્રસ જંકશન ખાતે “સ્ટ્રીટ ફૂડ્સ ઓફ ઇન્ડિયા ફેસ્ટિવલ” શરૂ કરવામાં આવ્યું છે. 17 થી 26 ઓક્ટોબર સુધી રાત્રિ ભોજનના સમય દરમિયાન ચાલનારા આ વાઈબ્રન્ટ ઉત્સવમાં એક જ સ્થળ પર ભારતભરના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રિય વેરાયટી સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણવાનો અવસર મળશે.
અહીં મહેમાનોને પશ્ચિમ બંગાળના પુચકા, કાઠી રોલ અને ઝાલ મુરી, કર્ણાટકના મસાલા ઢોસા, મૈસૂર બોંડા અને ગોલી ભજ્જી, મહારાષ્ટ્રના વડાપાવ, મિસળ પાવ અને સાબુદાણાની ખીચડી અને ગુજરાતના ઢોકળા, લોચો, ફાફડા-જલેબી સહિત વિવિધ પ્રાદેશિક વાનગીઓનો આનંદ માણવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
મેનૂમાં કેરળની પઝહમ પોરી, પરાઠા અને કેળાની ચિપ્સ, ઉત્તર પ્રદેશની આલૂ ટિક્કી, બનારસી કચોરી અને પેડા, પંજાબના અમૃતસરી કુલચા, છોલે અને ક્રીમી લસ્સી, દિલ્હીના પ્રખ્યાત છોલે ભટુરે, રાજમા ચાવલ અને દહીં ભલ્લા તેમજ બિહારના લિટ્ટી ચોખા, સત્તુ પરાઠા અને ખાજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મેનુમાં પરંપરાગત ભારતીય પીણાં જેમ કે જલજીરા, મસાલા છાસ, આમ પન્ના, ચા અને ઠંડાઈનો પણ સમાવેશ થાય છે, જે સ્વાદિષ્ટ ભોજનને એક તાજગી ભરેલું સમાપન આપે છે.
ધી લીલા ગાંધીનગરના જનરલ મેનેજર વિકાસ સૂદે જણાવ્યું હતું કે, “સ્ટ્રીટ ફૂડ્સ ઓફ ઈન્ડિયા ફેસ્ટિવલ, એ આપણા દેશના વિવિધ સ્વાદોને સમર્પિત છે. અમને ભારતની સ્ટ્રીટ ફૂડ સંસ્કૃતિની પ્રામાણિકતા, સુગંધ અને આનંદને એક શાનદાર અને જીવંત વાતાવરણમાં અમારા મહેમાનો સુધી પહોંચાડવામાં ખુબજ ખુશી થઈ રહી છે.”
અહીં આ લક્ઝુરીયસ હોટલમાં સિટ્રસ જંકશનને એક જીવંત શેરી બજારમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જે રંગબેરંગી પડદા, આકર્ષક રોશની-લાઇટ્સ, માટીના વાસણો અને ઉત્સવની સજાવટથી શણગારેલું છે. આ સ્થળની હવા તાજી તૈયાર કરેલી વાનગીઓની સુગંધથી ભરેલી છે. આની સાથે જ, ફોક અને બોલીવુડ સંગીતની ધ્વની એક યાદગાર અને રોમાંચક વાતાવરણ બનાવે છે. મહેમાનો પાણીપુરી ખાવાની સ્પર્ધાઓ, એક્સપર્ટ શેફ દ્વારા લાઇવ રસોઈ પ્રદર્શનો અને યુગલો માટે ખાસ ઉપહારો સહિત ઇન્ટરેક્ટિવ અનુભવોનો આનંદ માણી શકે છે.
જે લોકો ભારતની વિવિધ સિટીના શ્રેષ્ઠ સ્ટ્રીટ ફ્લેવરનો આનંદ લેવા માંગે છે, તેમણે ‘સ્ટ્રીટ ફૂડ્સ ઓફ ઈન્ડિયા ફેસ્ટિવલ’ માં ચોક્કસ ભાગ લઈ આ અનેરા ઉત્સવની મજા માણવી જોઈએ.