મુંબઇ: શેરબજારમાં આજે પ્રવાહી સ્થિતી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૬ પોઇન્ટ ઉછળીને ૩૮૩૦૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી છ પોઇન્ટ ઉછળીને ૧૧૫૫૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. આજે દિવસ દરમિયાન પ્રવાહી સ્થિતી જોવા મળી હતી. શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ઉંચી સપાટી જોવા મળી હતી. સેંસેક્સે ૩૩૧ પોઇન્ટ ઉછળીને ૩૮૨૭૯ની સપાટીએ રહ્યો તો જ્યારે નિફ્ટી ૮૧ પોઇન્ટ ઉછળીને ૧૧૫૫૨ની નવી ઉંચી સપાટીએ રહ્યો હતો.
ક્રૂડ ઓઇલના ઉતારચઢાવ, મોનસુનની પ્રગતિ, વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા માર્કેટની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા રહેશે. માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ દ્વારા હાલમાં જ તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી. જેમાં આરબીઆઇ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે.
રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો.આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો હતો.