મુંબઇઃ શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સતત ચાર કારોબારી સેશનમાં રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળ્યા બાદ બેંચમાર્ક ઇન્ડેક્સમાં આજે ઘટાડો રહ્યો હતો. વૈશ્વિક બજાર પ્રવાહમાં ઉથલપાથલની સ્થિતિ જોવા મળી હતી. મેટલ, ફાર્મા અને પીએસયુ બેંકમાં સૌથી વધારે નુકસાનની સ્થિતિ જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સ ૧૫૫ પોઇન્ટ ઘટીને ૩૭૮૬૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૪૧ પોઇન્ટ ઘટીને ૧૧૪૨૯ની નીચી સપાટીએ રહ્યો હતો.
એશિયન શેરબજારમાં પણ મંદીની સ્થિતિ રહી હતી. અમેરિકા દ્વારા નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા બાદ રશિયા પણ મુશ્કેલી અનુભવી રહ્યું છે. કરન્સી માર્કેટમાં પણ ઉથલપાથલનો દોર આજે જોવા મળ્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફને લઈને મતભેદો વધ્યા છે. હાલમાંડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે સત્તારૂઢ થયા બાદથી આ મતભેદો વધ્યા છે. ૨૦૧૬માં દ્વિપક્ષીય કારોબારનો આંકડો ૧૧૫ અબજ ડોલરનો હતો, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના પરિણામ સ્વરૂપે આ આંકડો ૩૧ અબજ ડોલર સુધી નીચે પહોંચી ગયો છે.
માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે. સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ દ્વારા હાલમાં જ તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી. જેમાં આરબીઆઇ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. ફુગાવાને કાબૂમાં લેવાના હેતુસર આ પગલા લેવામાં આવી રહ્યા છે.
રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો. આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.
ગઇકાલે બીએસઈ સેંસેક્સ ૧૩૭ પોઇન્ટ ઉછળીને ૩૮૦૨૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે પ્રથમ વખત ૩૮૦૦૦ની સપાટી કુદાવી દીધી હતી. નિફ્ટી ૨૧ પોઇન્ટ ઉછળીને ૧૧૪૭૧ની ઉંચી સપાટી ઉપર રહ્યો હતો.