મુંબઈ : નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતીય મૂડી બજારમાં કેટલાક મોટા વૈશ્વિક મૂડી બજારોથી જોરદાર દેખાવ રહેતા નવી આશા જાગી છે. રિટર્નના મોરચા પર તો અમેરિકા, બ્રિટન, ચીન જેવા મોટા શેરબજારને પણ બીએસઈ અને એનએસઈ પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. ભારતીય મૂડી બજારો કેટલાક વૈશ્વિક મૂડી બજારો કરતા સારો દેખાવ કર્યો છે. વિકસિત દેશો અને ચીન, બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોને પણ ભારતે પાછળ છોડી દીધા છે. માર્ચ ૨૦૧૯માં પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ઇન્ડિયન કેપિટલ માર્કેટે આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે કેટલાક વૈશ્વિક અને સ્થાનિક પ્રતિકુળ પરિબળો હોવા છતાં બીએસઈ અને એનએસઈએ ઉલ્લેખનીય સફળતા મેળવી છે. બીએસઈ સેંસેક્સ અને એનએસઈ નિફ્ટીનો દેખાવ અગાઉના નાણાંકીય વર્ષની સરખામણીમાં જોરદાર રહ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં સેંસેક્સે ૧૭ ટકા જ્યારે નિફ્ટીમાં ૧૫ ટકા રિટર્ન કારોબારીઓને મળ્યા છે. અમેરિકા, બ્રાઝિલ, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ કરતા ભારતીય બજારો વધુ શાનદાર રહ્યા છે જે મોટી સફળતા દર્શાવે છે.