મુંબઇ : શેરબજારમાં ત્રણ દિવસથી ચાલતી મંદી ઉપર બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ઉતારચઢાવ બાદ ૧૮૦ પોઇન્ટ સુધરીને ૩૫૬૫૦ની સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ૭૦૦ પોઇન્ટનો સ્વિંગ જાવા મળ્યો હતો. ભારતી એરટેલના શેરમાં ચાર ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે ફાર્માની મોટી કંપની સનફાર્માના શેરમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં ૬૬ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૦૭૩૦ રહી હતી. આજે કારોબાર દરમિયાન ૩૬ શેરમાં તેજી અને ૧૪ શેરમાં મંદી રહી હતી.
શેરબજારમાં આગામી સપ્તાહમાં નવા ઘટનાક્રમ જાવા મળશે જે પૈકી ડિસેમ્બર સિરિઝમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ આવતીકાલે ગુરુવારના દિવસે પૂરી થશે. મૂડી રોકાણકારો જાન્યુઆરી સિરિઝમાં પ્રવેશ કરશે. નિફ્ટી ફ્યુચર ૧૦૭૬૯ની સપાટીએ રહ્યો હતો. ક્રૂડની કિંમતો પણ અસર કરી રહી છે. ઓછી માંગ અને ઓવર સપ્લાયની સ્થિતિના લીધે છેલ્લા સપ્તાહમાં ક્રૂડની કિંમત ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે જે વર્ષ ૨૦૧૭ના ત્રીજા ત્રિમાસિક ગાળા બાદથી સૌથી નીચી સપાટી છે. ક્રૂડની કિંમતમાં હજુ ઘટાડો રહી શકે છે. સરકારે છેલ્લા થોડાક સપ્તાહ દરમિયાન જ અનેક મોટા નિર્ણય લીધા છે. હાલમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
આ બેઠકમાં કેટલીક રાહત અપાઈ હતી જેના ભાગરુપે ફિલ્મોની ટિકિટ, ટીવી સેટ, કોમ્પ્યુટર, પાવર બેન્ક, ટીવી સ્ક્રીન સહિતની દરરોજ ઉપયોગમાં આવતી ૨૩ ચીજવસ્તુઓ પર જીએસટી રેટમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ આ તમામ ચીજા પહેલી જાન્યુઆરી ૨૦૧૯થી સસ્તી થશે. ગઇકાલે શનિવારના દિવસે જે ચીજવસ્તુ પર દર ઘટાડવામાં આવ્યા હતા તે દર પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. જે ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો હતો તેમાં ૧૭ ચીજ વસ્તુઓ અને છ સર્વિસનો સમાવેશ થાય છે. છ વસ્તુને ૨૮ ટકાના સ્લેબમાંથી ઘટાડીને ૧૮ ટકાના જીએસટી સ્લેબમાં મુકવામાં આવી હતી.
નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ ગઇકાલે આ અંગેની જાહેરાત કરી હતી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટાયર, વીસીઆર અને લિથિયમ બેટરીને ૨૮ ટકાના સ્લેબમાંથી ઘટાડીને ૧૮ ટકાના સ્લેબમાં લવાયા હતા. ૩૨ ઈંચ સુધીના ટીવી પર દરો ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયા હતો.વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારતીય મૂડી માર્કેટમાં ૪૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા.