મુંબઇ : શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં ભારે પ્રવાહી સ્થિતી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૭૨ પોઇન્ટ સુધરીને ૩૬૪૨૬ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૭ પોઇન્ટ સુધરીને ૧૦૯૪૬ની સપાટી પરરહ્યો હતો. ડોલરની સામે રૂપિયામાં ૩૪ પૈસાનો સુધારો થયો હતો. આની સાથે જ તેની સપાટી ૭૦.૧૦ રહી હતી. શેરબજારમાં સતત ઉતારચઢાવના કારણે કારોબારી હાલમાં દિશાહીન થયેલા છે. ગયા મંગળવારના દિવસે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. ૮મી જાન્યુઆરીના દિવસે આ સત્ર ૨૯ દિવસના ગાળા બાદ પૂર્ણ થશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા એનડીએ સરકારના અંતિમ ફુલ સેશન તરીકે આને જાવામાં આવે છે. આ સત્ર દરમિયાનના ઘટનાક્રમ ઉપર તમામની નજર રહેશે. કેટલાક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવી શકે છે. મોટા આર્થિક સુધારા પણ રજૂ કરવામાં આવી શકે છે પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ મોદી સરકાર મોટા પગલા લેવા જઈ રહ્યા છે.
ગઇકાલે મંગળવારના દિવસે સેંસેક્સ ૭૭ પોઇન્ટ ઉછળીને ૩૬૩૪૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૦ પોઇન્ટ રિકવર થઇ ૧૦૯૦૯ની સપાટીએ રહ્યો હતો. મંગળવારના દિવસે ક્રુડની કિંમતમાં એક સાથે પાંચ ટકા સુધીનો ઘટાડો થયોહતો. હવે તમામની નજર ફેડ રિઝર્વ પર કેન્દ્રિત થઇ ગઇ છે. કેન્દ્ર સરકાર હવે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કેટલાક લોકલક્ષી પગલા લેવાની દિશામાં આગળ વધી રહી છે. આની અસર સીધી રીતે જાવા મળી શકે છે.