મુંબઇ : શેરબજારમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૩૩ પોઇન્ટ ઉછળીને ૩૫૯૬૩ની સપાટીએ રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં પાંચ ટકા સુધીનો સુધારો રહ્યો હતો તેમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો જ્યારે એચડીએફસીના શેરમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ આ શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં પણ આજે ૧૪ પોઇન્ટનો સુધારો થતાં તેની સપાટી ૧૦૮૦૫ નોંધાઈ હતી. ૫૦ પૈકી ૨૯માં તેજી અને ૨૧ શેરમાં મંદી રહી હતી. બીએસઈમાં કારોબાર કરતી ૨૭૦૪ કંપનીઓ પૈકીની ૧૨૬૦ જેટલી કંપનીઓના શેરમાં તેજી રહી હતી અને ૧૩૦૦ કંપનીઓના શેરમાં મંદી રહી હતી. ૧૪૪ શેરમાં યથાસ્થિતિ રહી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૮૧ ટકા અને નિફ્ટીમાં એક ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. દિવસભરમાં રેંજ આધારિત કારોબાર જોવા મળ્યો હતો.
નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો રહ્યો હતો. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો મેક્સ ઇન્ડિયાના શેરમાં ૨૦ ટકાનો સુધારો રહ્યો હતો. ભારતી એરટેલ અને વોડાફોનના શેરમાં ભારે ઉથલપાથલ રહી હતી. બ્રોડર માર્કેટના ઇન્ડેક્સમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૯૩ બોલાઈ હતી જ્યારે સ્મોલકેપમાં ચાર પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૪૫૦૨ નોંધાઈ હતી. ગઇકાલે ગુરૂવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૫૧ પોઇન્ટ રિકવર થઇને ૩૫૯૩૦ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઉછાળો અથવા તો ૫૪ પોઇન્ટ સુધીનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ નિફ્ટીની સપાટી ૧૦૭૯૨ રહી હતી.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મહત્વની બેઠક યોજી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા દેખાઈ રહી છે. યુરોપિયન અંધાધૂંધીની અસર પણ બજારમાં જાવા મળી શકે છે. માર્કેટના માઇક્રો ડેટાની ચર્ચા પણ રહી શકે છે. વૈશ્વિક મોરચા ઉપર મૂડીરોકાણકારો અમેરિકી નોનફાર્મ પેરોલ ઉપર નજર રાખી રહ્યા છે. ઓક્ટોબરની સપાટીથી પ્રતિદિવસે ૦.૮ મિલિયન બેરલ સુધી તેલ ઉત્પાદને ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ક્રૂડની કિંમતમાં વૈશ્વિક બજારોમાં પાંચ ટકાનો વધારો થઇ ચુક્યો છે. બજારમાં હાલમાં ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે.