મુંબઇ: શેરબજારમાં બ્લેક ફ્રાઇડેની સ્થિતિ રહી હતી. બ્લેક ફ્રાઇડેની આશંકા વચ્ચે મૂડીરોકાણકારો હચમચી ઉઠ્યા હતા. જો કે, સારી બાબત એ રહી હતી કે, બજારમાં જેટલી ઝડપથી ઘટાડો થયો હતો તેટલી જ ઝડપ તેજી પણ નોંધાઈ હતી અને રિકવરી થઇ ગઇ હતી પરંતુ થોડાક ક્ષણ માટે બજારમાં અફડાતફડી રહી હતી. એક વખતે સેંસેક્સમાં ૧૫૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.
દિવસ દરમિયાન સેંસેક્સમાં ૧૫૦૦ પોઇન્ટની અફડાતફડી રહી હતી. ૩૦ શેર બીએસઈ ઇન્ડેક્સ કારોબાર દરમિયાન ૧૧૦૦ પોઇન્ટ સુધી ઘટી ગયો હતો અને ૩૫૯૯૩ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. વીસેકમાં રિકવરી થઇ હતી અને કારોબારના અંતે પ્રમાણમાં ઓછો ઘટાડો થયો હતો. ૧૪૯૬ પોઇન્ટનો કડાકો નોંધાયા બાદ અંતે ૨૮૦ પોઇન્ટ ઘટીને ૩૬૮૪૨ની નીચી સપાટીએ રહ્યો હતો. છેલ્લા સપ્તાહમાં જ સેંસેક્સમાં ૧૦૦૦ પોઇન્ટથી પણ વધુનો ઘટાડો થઇ ચુક્યો છે. નિફ્ટી ૧૦૮૬૬ની નીચી સપાટીએ પહોંચ્યા બાદ અંતે ૯૧ પોઇન્ટ ઘટીને ૧૧૧૪૩ની નીચી સપાટીએ રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૫૭૬૩ રહી હતી જ્યારે મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૭ ટકાનો ઘટાડો રહેતા ૧૫૫૯૬ની સપાટી રહી હતી.
યશ બેંકના શેરમાં ઇન્ટ્રાડે દરમિયાન ૩૪ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. યશબેંકના સીઈઓ રાણા કપૂર સામે આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા પગલાની અસર જાવા મળી હતી. સેંસેક્સ અને નિફ્ટી આજે તેજી સાથે ખુલ્યા હતા પરંતુ બપોર બાદ એકાએક અફડતફડી રહી હતી. એક સમય સેંસેક્સ ૧૫૦૦ પોઇન્ટ સુધી નીચે પહોંચી ગયો હતો જે નોટબંધી બાદ સૌથી મોટો ઘટાડો હતો. નિફ્ટીમાં પણ ૩૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જા કે, રિકવરીનો દોર ઝડપથી શરૂ થયો હતો. બજારમાં કડાકાના લીધે ડીએચએફએલના શેરમાં ૫૦ ટકા, યશ બેંકના શેરમાં ૩૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. લિસ્ટિંગ બાદથી યશ બેંકના શેરમાં હજુ સુધીનો સૌથી મોટો ઘટાડો રહ્યો છે જેના લીધે બેંકના માર્કેટ વેલ્યુમાં ત્રણ અબજ ડોલર અથવા તો ૨૧૭૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આજે યશ બેંકના શેરમાં એક તૃતિયાંશ સુધીનો ઘટાડો થયો હતો. આરબીઆઈ દ્વારા બેંકના સીઈઓ રાણા કપૂરની અવધિને સમયથી પહેલા ખતમ કરી દેવાના નિર્ણયની અસર બેંકિંગ શેરો ઉપર થઇ હતી અને અફડાતફડીની શરૂઆત રહી હતી.
ફાર્મા અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં અફડાતફડી જામી હતી. શેરબજારમાં હાલમાં જ રોકાણકારોએ છેલ્લા ત્રણ દિવસના ગાળામાં ૩.૬૨ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. સોમવાર બાદથી ઇન્ડેક્સમાં ૯૭૦ પોઇન્ટનો ઘટાડો થઇ ચુક્યો છે. શેરોમાં જ ઘટાડાના પરિણામ સ્વરુપે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૩૬૨૩૫૭.૧૫ કરોડ સુધી ઘટી જતાં અફડાતફડી મચી ગઈ હતી. જા કે હવે સુધારો થઇ રહ્યો છે. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર ખેંચતાણ, ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને ડોલર સામે રૂપિયાના ઘટતા જતા ભાવના કારણે હાલત કફોડી બનેલી છે. શેરબજારમાં ફરી એકવાર તેજી રહી છે. શેરબજારમાં આજે સવારના કારોબારમાં તેજી રહ્યા બાદ આજે દિવસ દરમિયાન તીવ્ર તેજી રહી શકે છે. સાથે સાથે રૂપિયામાં પણ રિક્વરી જાવા મળે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, અમેરિકા દ્વારા ચીની આયાત ઉપર નવેસરના નિયંત્રણો લાગૂ કરી દીધા છે. આની સાથે જ વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે વેપાર તંગદિલી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. શેરબજારમાં હાલમાં જુદા જુદા પરિબળોની અસર જાવા મળી રહી છે.
આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૂપિયામાં ૧૧.૧ ટકાનો ઘટાડો થયો છે.દેશમાં ફોરેન રિઝર્વનો આંકડો ૪૦૦ અબજ ડોલરથી નીચે પહોંચી ગયો છે. ટ્રેડ ડેફિસિટનો આંકડો પાંચ વર્ષની ઉંચી સપાટી એટલે કે જુલાઈ મહિનામાં ૧૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જો કે, ઓગસ્ટ મહિનામાં આ આંકડો ઘટીને ૧૭.૪ અબજ ડોલર થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે.