મુંબઈ : શેરબજારમાં શરૂ થતાં નવા કારોબારી સેશનમાં આરબીઆઈની નીતિ, આર્થિક આંકડાઓને લઇને દિશા નક્કી થશે. આ પરિબળો દલાલ સ્ટ્રીટની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવશે. ડોલર સામે રૂપિયાની ચાલ, વૈશ્વિક વલણ, ક્રૂડની કિંમતોની પણ અસર થશે. આ સપ્તાહમાં જ કંપનીના આંકડા પણ જારી થશે. સેવા ક્ષેત્ર અને પીએમઆઇના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે જારી કરવામાં આવેલા જીડીપીના આંકડાની અસર બજાર ઉપર જાવા મળનાર છે. આરબીઆઈ દ્વારા ત્રીજી ડિસેમ્બરથી પાંચમી ડિસેમ્બર દરમિયાન નીતિ સમીક્ષાની બેઠક યોજવામાં આવનાર છે. વ્યાજદર હાલમાં યથાવત રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ જાહેર થનાર છે. તેની પણ અસર જાવા મળશે.
છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૧૨૧૩ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં શુક્રવારના દિવસે કારોબારના અંતે રિકવરીનો દોર યથાવત રહ્યો હતો. શુક્રવારે કારોબારના અંતે સેન્સેક્સ ૨૪ પોઈન્ટ ઉછળીને ૩૬૧૯૪ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૮ પોઈન્ટ ઉછળીને ૧૦૮૭૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત હવે ઉલ્લેખનીય રીતે ઘટી રહી છે. રિઝર્વ બેંક હાલમાં વ્યાજદરો યથાવત રાખી શકે છે. માર્ચ ૨૦૧૯માં પુરા થઇ રહેલા નાણાંકીય વર્ષના બાકીના ગાળા દરમિયાન રેટ રિઝર્વ બેંક યથાવત રાખે તેવી શક્યતા છે. ફુગાવાના આંકડા ઉપર તમામની નજર કેન્દ્રિત થયેલી છે. સિંગાપોરિયન બેંક ડીબીએસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રેટ અંગેનો નિર્ણય મુખ્યરીતે તેલ કિંમતો અને ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ ફુગાવા ઉપર આધારિત રહે છે.
આ વર્ષે આરબીઆઈ હવે તેની વર્તમાન પોલિસીમાં વ્યાજદરમાં કોઇ સુધારો કરે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બરમાં અર્થવ્યવસ્થાની વિકાસની ગતિ ૭.૧ ટકા થઈ ગઈ છે જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૨ ટકા રહી હતી. અલબત્ત એક વર્ષ પહેલાની ત્રિમાસિક અવધિમાં આ આંકડો ૬.૩ ટકાનો હતો. વિકાસ દરની ગતિ ધીમી પડતા વિરોધ પક્ષોને મોદી સરકારને ભીંસમાં લેવાની તક મળશે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના જુલાઈ-સપ્ટેમ્બરમાં વિકાસ દર ઘટીને ૭.૧ ટકા થઈ ગયો છે જે ૮.૨ની સરખામણીમાં ખુબ ઓછો દર છે. આના મુખ્ય કારણો જે આપવામાં આવ્યા છે તેમાં ડોલરની સામે રૂપિયામાં નોંધાયેલી નબળાઈ અને ગ્રામીણ માંગમાં ઘટાડો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો હોવા છતાં જીડીપીનો વૃદ્ધિ દર છેલ્લા નાણાકીય વર્ષની આજ અવધિની સરખામણીમાં વધારે છે. જીડીપીને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર હાલમાં ચાલી રહ્યો છે. ભારતીય સ્ટેટ બેન્કના રિપોર્ટમાં વિકાસ દર ૭.૫ થી લઈને ૭.૬ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં વધુ ઘટાડો થશે. ક્રુડ ઓઈલની કિંમતો, કુદરતી ગેસ અને યુરીયાના ઉત્પાદનમાં ઘટાડાથી આઠ મૂળભૂત ક્ષેત્રોના ઉદ્યોગનો દોર ઓકટોબરમાં ૪.૮ ટકા રહ્યો છે. આઠ મૂળભૂત ક્ષેત્રો અથવા તો કોર સેકટર કોલસા, ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી, યુરિયા, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીના ક્ષેત્રમાં વૃદ્ધિ દર એક વર્ષ પહેલા ઓકટોબરમાં પાંચ ટકા હતો.