મુંબઇ : શેરબજારમાં આજે પણ તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૧૧ પોઇન્ટ સુધરીને ૩૬૦૨૮ની સપાટી પર હતો. આવી જ રીતે નિફ્ટી ૭૫ પોઇન્ટ સુધરીને ૧૦૮૦૪ન સપાટી પર હતો. આજે દિવસ દરમિયાન તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. બીજી બાજુ શરૂઆતી કારોબારમાં ડોલરની સામે રૂપિયો ૭૦ની નજીક રહ્યો હતો. શુક્રવારના દિવસે ભારત બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો પરંતુ બીજી ત્રિમાસિક ગાળામાં આંકડો ૭.૨થી ૭.૯ની વચ્ચે રહી શકે છે.
વૈશ્વિક ક્રેડિટ રેટિંગ સંસ્થા મૂડીના કહેવા મુજબ ૨૦૧૯-૨૦માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૩ની આસપાસ થઇ શકે છે. ભારતમાં ઓક્ટોબરમાં ફિસ્કલ ડેફિસિટનો આંકડો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદનનો આંકડો પણ હવે જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ઉતારચઢાવની સ્થિતિ છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન વિદેશી મૂડીરકાણકારોએ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૬૩૧૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ઓક્ટોબર મહિનામાં જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા બાદ નવેમ્બર મહિનામાં ફરીવાર નાણાં ઠાલવવામાં આવ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે. સાથે સાથે ડોલર સામે રૂપિયો ફરી મજબૂત બની રહ્યો છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ડેબ્ટ માર્કેટમાં સૌથી વધુ નાણાં ઠાલવવામાં આવ્યા છે. આંકડા દર્શાવે છે કે, પહેલીથી ૨૨મી નવેમ્બર વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઇÂક્વટી માર્કેટમાં ૯૨૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૫૩૮૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.
આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૬૩૧૦ કરોડ સુધી પહોંચ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત હવે ઉલ્લેખનીયરીતે ઘટી રહી છે. રિઝર્વ બેંક હાલમાં વ્યાજદરો યથાવત રાખી શકે છે. માર્ચ ૨૦૧૯માં પુરા થઇ રહેલા નાણાંકીય વર્ષના બાકીના ગાળા દરમિયાન રેટ રિઝર્વ બેંક યથાવત રાખે તેવી શક્યતા છે. ફુગાવાના આંકડા ઉપર તમામની નજર કેન્દ્રિત થયેલી છે. સિંગાપોરિયન બેંક ડીબીએસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રેટ અંગેનો નિર્ણય મુખ્યરીતે તેલ કિંમતો અને ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ ફુગાવા ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિના માટે ડબલ્યુપીઆઈ ફુગાવો ઉંચી સપાટીએ રહ્યો છે પરંતુ સીપીઆઈ ફુગાવો નીચી સપાટીએ રહ્યો છે. બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે આરબીઆઈ હવે તેની વર્તમાન પોલિસીમાં વ્યાજદરમાં કોઇ સુધારો કરે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. શેરબજારમાં ગઇકાલે બુધવારે સતત ત્રીજા કારોબારી સેશનમાં તેજી રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૦૪ પોઇન્ટ રિકવર થઇને ૩૫૭૧૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૪૩ પોઇન્ટ ઉછળીને ૧૦૭૨૯ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં અવિરત તેજી રહેતા કારોબારી ભારે ખુશ દેખાઇ રહ્યા છે.