મુંબઈ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૨૬૧૫૭ કરોડ રૂપિયાનો સંયુક્તરીતે વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં યથાસ્થિતિ રહી છે. જે કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે તેમાં એચડીએફસી બેંક, એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેંક અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે. આઈટીસી, એચડીએફસી, ઇન્ફોસીસ અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન કંપનીઓની માર્કેટ મૂડીમાં ફેરફારની સ્થિતિ જાવા મળી હતી.
આરઆઈએલની માર્કેટ મૂડી ૧૨૧૧૧.૮૭ કરોડ વધીને ૬૯૩૦૨૨.૪૮ કરોડ થઇ ગઇ છે. એચયુએલ અને મારુતિ સુઝુકીની માર્કેટ મૂડી ક્રમશઃ ૮૪૩૧.૩૧ કરોડ તથા ૩૮૮૮.૨૭ કરોડ વધીને નવી ઉંચી સપાટી ઉપર પહોંચી છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન ૭૪૭.૩૯ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી વધીને હવે ૫૨૯૮૬૯.૯૬ કરોડ થઇ છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે આરઆઈએલ બીજા સ્થાને છે. દિવાળીના પ્રસંગે છેલ્લા સપ્તાહમાં બે દિવસ સુધી શેરબજારમાં રજા રહી હતી.
છેલ્લા સપ્તાહમાં બીએસઈ સેંસેક્સમાં ૧૪૭ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૩૫૧૫૮ રહી હતી. ૩૫૦૦૦ની સપાટી સેંસેક્સે હાંસલ કરી લીધા બાદ આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામુ આપશે કે કેમ તેને લઇને ચર્ચા કોર્પોરેટ જગતમાં જાવા મળી રહી છે. ટીસીએસ અને આરઆઈએલ વચ્ચે માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તીવ્ર સ્પર્ધા રહેલી છે.