મુંબઇ : બેંકિગ શેરમાં તીવ્ર ઘટાડા વચ્ચે આજે શરૂઆતી કારોબારમાં શેરબજારમાં ફ્લેટ સ્થિતી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ફ્લેટ રહ્યો હતો. સેંસેક્સ ૨૦ પોઇન્ટ સુધરીને ૩૭૬૦૬ની સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૧૧૩૭૭ની સપાટી પર હતો. મર્જરની જાહેરાત કરવામાં આવ્યાના એક દિવસ બાદ સવારમાં બેંક ઓફ બરોડાના શેરમાં ૧૪ ટકા સુધીનો ઘટાડો થયો હતો. દેના બેંકના શેરમાં પણ ઘટાડો થયો હતો. દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાને મર્જ કરવાની સરકારે જાહેરાત કરી દીધી છે. કોલ લેવા મામલે બેંકોના બોર્ડની હવે બેઠક યોજાનાર છે.
વૈશ્વિક બજારમાં પણ સવારમાં મંદી રહી હતી. મૂડીરોકાણકારો મુડીરોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. શેરબજારમાં હાલમાં જુદા જુદા પરિબળોની અસર જાવા મળી રહી છે. આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૂપિયામાં ૧૧.૧ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૭૨.૯૨ સુધી પહોંચ્યો હતો જેથી બજાર અને સરકાર બંને ચિંતાતુર દેખાઈ રહ્યા છે. દેશમાં ફોરેન રિઝર્વનો આંકડો ૪૦૦ અબજ ડોલરથી નીચે પહોંચી ગયો છે.
ટ્રેડ ડેફિસિટનો આંકડો પાંચ વર્ષની ઉંચી સપાટી એટલે કે જુલાઈ મહિનામાં ૧૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જા કે, ઓગસ્ટ મહિનામાં આ આંકડો ઘટીને ૧૭.૪ અબજ ડોલર થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. બેંક ઓફ જાપાનની બેઠક બુધવારના દિવસે મળશે. ગઇકાલે સોમવારના દિવસે બ્લેક મન્ડેની સ્થિતી રહી હતી. સેંસેક્સ સોમવારે ૫૦૫ પોઇન્ટ ઘટીને ૩૭૫૮૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૩૭ પોઇન્ટ ઘટીને ૧૧૩૭૮ની સપાટીએ રહ્યો હતો.