મુંબઇ : શેરબજારમાં આજે સતત બીજા દિવસે રિક્વરી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૮૧ પોઇન્ટ સુધરીને ૩૪૧૪૪ની સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૨૯ પોઇન્ટ રિક્વર થઇને ૧૦૨૮૦ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન રિક્વરી જારી રહે તેવી શક્યતા છે.શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે સેંસેક્સ ૩૪૧ પોઇન્ટ ઘટીને ૩૩૩૪૯ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૦૦૩૦ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૯૬૬ પોઇન્ટનો ઘટાડો અથવા તો ૨.૮૨ ટકાનો ઘટાડો રહ્યો હતો.
આવી જ રીતે નિફ્ટીમાં ૨૭૪ પોઇન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો. અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે કટોકટીને લઇને પણ માર્કેટની ચિંતા વધી ગઈ છે. પત્રકાર જમાલના મોતને લઇને અમેરિકા અને સાઉદી અરેબિયા આમને સામને છે. વધારાના ક્રૂડ ઓઇલના ઉત્પાદનને લઇને સાઉદી અરેબિયાની હિલચાલ શું રહેશે તેને લઇને પણ વિશ્વની નજર કેન્દ્રિત થઇ છે. અમેરિકાએ આ સપ્તાહની શરૂઆતમાં જ ઇરાન ઉપર પ્રતિબંધ લાગૂ કરી દીધા હતા. સપ્ટેમ્બર મહિના માટેના ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. દેશના મુખ્ય આઠ સેક્ટરો કોલસા, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ, ફર્ટીલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટી જેવા સેક્ટરોને મળીને બનેલા આઠ સેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા ઓગસ્ટ મહિનામાં ૪.૨ ટકાની આસપાસ રહ્યા હતા. કોલસા અને રિફાઈનરી પ્રોડક્ટનું ઉત્પાદન હળવું બન્યું હતું.
ખુબ મહત્વપૂર્ણ આ આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરો કુલ ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદન પૈકી ૪૦.૨૭ ટકાનું યોગદાન આપે છે. બુધવારના દિવસે વૈશ્વિક માર્કેટના આધાર જાપાનની સર્વોચ્ચ બેંક ઉપર નજર રહેશે. જાપાનની સર્વોચ્ચ બેંક વ્યાજદરમાં કોઇ ઘટાડો કરે છે કે કેમ તેને લઇને ચર્ચા છે . ગઇકાલે સોમવારના દિવસે સેંસેક્સે ૭૧૮ પોઇન્ટની રિકવરી હાંસલ કરી હતી અને સેંસેક્સ કારોબારના અંતે ૩૪૦૬૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૨૨૧ પોઇન્ટ સુધરીને ૧૦૨૫૧ની સપાટીએ રહ્યો હતો.