મુંબઈ : શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારના અંતે જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળી હતી. જૂન ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવે તે પહેલા તેજીનો માહોલ જામ્યો હતો. સાથે સાથે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા પણ અનેક પગલાઓ હાલમાં જાહેર કરવામાં આવ્યા હતા.
આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૬૪ પોઇન્ટ સુધરીને ૩૭૩૩૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. એચડીએફસી ટ્વિન, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલીવરના શેરમાં સૌથી ઉલ્લેખનીય ઉછાળો રહ્યો હતો જેથી ઇન્ડેક્સમાં તેજી જામી હતી. ૧-૩ ટકાની રેંજમાં આ સુધારો રહ્યો હતો. યશ બેંક, સનફાર્મા, ઇન્ડસઇન્ડ બેંક, તાતા સ્ટીલના શેરમાં તેજી રહી હતી જ્યારે પાવર ગ્રીડ, ઓએનજીસી, એચસીએલ ટેક અને લાર્સન એન્ડ ટુબ્રોમાં ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૭૫ પોઇન્ટ સુધરીને ૧૧૦૨૩ની સપાટીએ રહ્યો હતો.
સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૧.૭૨ ટકાનો અને નિફ્ટીમાં ૧.૭૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૨.૪ ટકાનો અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩૪ પોઇન્ટનો સુધારો થયો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૦૪ પોઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો જેથી તેની સપાટી ૧૨૫૩૫ રહી હતી. એશિયન શેરબજારમાં એક સપ્તાહની ઉંચી સપાટી નોંધાઈ હતી. બીજી બાજુ ફિસ્ક્લ ડેફિસિટનો આંકડો બજેટ ટાર્ગેટના ૭૭ ટકાના આંકડાને પાર કરી ગયો છે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે નક્કી કરવામાં આવેલા બજેટના ૭૭ ટકા અથવા તો ૫.૪૮ ટ્રિલિયન રૂપિયાના આંકડા સુધી ફિસ્ક્લ ડેફિસિટનો આંકડો પહોચી ગયો છે.
આજે સરકાર દ્વારા આંકડા જારી કરાયા હતા. હાલમાં વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ઇક્વિટીમાંથી ૧૨૧૦૫.૩૩ કરોડ રૂપિયાની નેટ રકમ પાછી ખેંચી લીધી છે પરંતુ પહેલી ઓગસ્ટથી ૨૩મી ઓગસ્ટ વચ્ચેના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૯૦૯૦.૬૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ મૂડી માર્કેટ જેમાં ઇક્વિટી અને ડેબ્ટ બંનેનો સમાવેશ થાય છે તેમાંથી ૩૦૧૪.૭૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારી બેંકોમાં ૭૦૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઠાલવવાની વાત કરવામાં આવી ચુકી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સરકારને ૧.૭૬ લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. બેંચમાર્ક સેંસેક્સ આજે ૩૮૩ પોઇન્ટ ઘટીને ૩૭૦૬૯ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૯૮ પોઇન્ટ ઘટીને ૧૦૯૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		