મુંબઈ : શેરબજારમાં આજે ઉથલપાથલ સાથે કારોબાર ચાલ્યો હતો. જો કે, કારોબારના અંતે સેંસેક્સ ૮૫ પોઇન્ટ ઉછળીને નવી ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ ૮૫ પોઇન્ટ રિકવર થઇને ૩૯૨૧૬ની સપાટીએ રહ્યો હતો. એસબીઆઈ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. યશ બેંક, મારુતિ, ઓએનજીસી અને એનટીપીસીના શેરમાં ઘટાડો રહ્યો હતો. માર્કેટ બ્રીડ્થ નકારાત્મક રહી હતી. આજે ૨૬૫૦ શેરમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૧૨૩ શેરમાં તેજી અને ૧૩૫૫ શેરમાં મંદી રહી હતી. ૧૭૨ શેરની સ્થિતિ યથાવત રહી હતી. નિફ્ટી ૨૫ પોઇન્ટ રિકવર થઇને ૧૧૬૮૭ની સપાટીએ રહ્યો હતો. ૨૧ કંપનીઓના શેરમાં તેજી રહી હતી.
૨૭ કંપનીઓના શેરમાં ઘટાડો રહ્યો હતો જ્યારે બે શેર યથાસ્થિતિમાં રહ્યા હતા. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૨૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૫૪૨ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૧૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૭૧૬ રહી હતી. સેક્ટરની વાત કરવામાં આવે તો પીએસયુ બેંકમાં સૌથી વધુ નફો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૩૬ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો જ્યારે એફએમસીજી સેક્ટરમાં પણ ૦.૮૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. આઈટી સેક્ટરમાં ૦.૫૩ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો રહ્યો હતો. ડીસીબી બેંકના શેરમાં ૧૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં આજે અફડાતફડી માટે અનેક કારણો રહ્યા હતા. જૂન ત્રિમાસિક ગાળામાં નેટ નફામાં ઉછાળો નોંધાયો છે. ઓછા ખર્ચના નેતૃત્વમાં મજબૂત નફો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે આજે પબ્લિક સેક્ટરની બેંકોના શેરમાં લેવાલી જામી હતી.
આઈટીના શેરમાં પણ લેવાલી રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે નવેસરથી ટ્રેડવોરને લઇને પણ ચિંતા વધી ગઈ છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને ૨૩ મહિનાની નીચે સપાટીએ પહોંચી જતા રાહતના સમાચાર મળ્યા છે. ફુગાઓ ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાઓ મે મહિનામાં ૨.૪૫ ટકા હતો. જે હવે જુન મહિનામાં ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. જુન ૨૦૧૮માં આ આંકડો ૫.૬૮ ટકા હતો. આવી જ રીતે જુન મહિના માટેના રિટેલ ફુગાવાના આંકડા શુક્રવારના દિવસે જારી કરાયા હતા. સતત છઠ્ઠા મહિનામાં તેજીના વલણ સાથે જૂન મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો વધીને ૩.૧૮ ટકા થઇ ગયો છે. એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી ૩૫૫૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે.
આંકડા દર્શાવે છે કે, પહેલીથી ૧૨મી જુલાઈ વચ્ચેના ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી એફપીઆઈ દ્વારા ૪૯૫૩.૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પરંતુ ડેબ્ટ માર્કેટમાં ૮૫૦૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. આની સાથે જ ૩૫૫૧.૦૧ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે. જુલાઈ મહિનામાં હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલીનું વલણ અપનાવ્યું છે. એફપીઆઈ દ્વારા ૪૯૫૪ કરોડ રૂપિયાની કિંમતના ઇક્વિટીનું વેચાણ કર્યું છે. શેરબજારમાં ગઇકાલે પણ તેજીનું મોજુ રહ્યું હતું. ગઇકાલે કારોબારના અંતે સેંસેક્સ ૨૩૪ પોઇન્ટ સુધરીને ૩૯૧૩૧ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૭૩ પોઇન્ટ સુધરીને ૧૧૬૬૧ની સપાટીએ રહ્યો હતો.