મુંબઈ : આરઆઈએલ, એલ એન્ડ ટી અને બજાજ ફાઈનાન્સ જેવી મોટી કંપનીઓના શેરમાં ઉછાળાના કારણે સેંસેક્સમાં બે દિવસના સતત ઘટાડા બાદ આજે નજીવી તેજી જોવા મળી હતી. ઉછાળામાં રહેલા શેરોની વાત કરવામાં આવે તો ફાઈનાન્સ, સન ફાર્મા, હીરો મોટો, એલએન્ડટી, આરઆઈએલ અને ભારતી એરટેલમાં ૫.૬૦ ટકા સુધીનો ઉછાળોજોવા મળ્યો હતો. બજારમાં મંગળવારે ભારે ઉતાર-ચઢાવ ભર્યો કારોબાર થયો હતો. સેન્સેક્સ ૧૦ અંક વધીને ૩૮,૭૩૦.૮૨ પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે ૨૮૫ અંક ઘટીને ૩૮,૪૫૩.૮૭ પર આવી ગયો હતો.
નિફ્ટીનું કલોઝિંગ ૨.૭૦ પોઈન્ટ નીચે ૧૧,૫૫૫.૯૦ પર થયું હતું. ઈન્ટ્રા-ડે મા તે ૯૮ અંક ઘટીને ૧૧,૪૬૧ના સ્તરે આવી ગયો હતો. બીજી તરફ યસ બેન્કના શેરમાં લગભગ ૨ ટકા તેજી જોવા મળી છે. સનફાર્મા અને ઓએનજીસી લગભગ ૧-૧ ટકા ચઢ્યા. રિલાયન્સ, ટાટા સ્ટીલ, વેદાંતા અને ઓએનજીસીના શેરમાં ૦.૫ ટકાથી ૦.૭ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસના રિસર્ચ હેડ વિનોદ નાયરના જણાવ્યા પ્રમાણે આમ બજેટ શેરબજારની આશા પ્રમાણેનું ન રહ્યું.
અન્ય એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે બજેટમાં કરવામાં આવેલા ટેક્સના પ્રસ્તાવના કારણે રોકાણકારોના મનમાં આશંકા છે. આ કારણે બજેટ બાદ બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે રજૂ કરેલા બજેટમાં કહ્યું હતું કે લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક શેરહોલ્ડિંગ ૨૫ ટકાથી વધારીને ૩૫ ટકા કરવાનો પ્રસ્તાવ સેબીએ આપ્યો છે. આ સિવાય ૨-૫ કરોડ અને ૫ કરોડ રૂપિયાથી વધુ આવક વાળ પર સરચાર્જ વધારવાની જાહેરાત કરી છે. આ કારણે વિદેશી રોકાણકારો પર ટેક્સનો ભાર વધવાની શકયતા છે. જોકે, સોમવારે સીબીડીટીએ કહ્યું કે વિદેશી રોકાણકોરની ચિંતાઓને લઈને ઝડપથી સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે.