મુંબઈ : શેરબજારમાં આજે જોરદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. જુદા જુદા સેક્ટરના શેરમાં તીવ્ર મંદી જોવા મળી હતી. નવી દિલ્હી માટે ચોક્કસ વેપાર દરજ્જાને દુર કરવાના અમેરિકાના નિર્ણયના સંદર્ભમાં અમેરિકી વસ્તુઓ પર ભારતે ઉંચા ટેરિફ લાગુ કર્યા બાદ વિવિધ સેક્ટરોમાં આજે મંદી રહી હતી. ભારતે ૨૯ હાઈવેલ્યુ અમેરિકી એગ્રીકલ્ચર અને ઈન્ડસ્ટ્રીયલ આયાતો ઉપર ટેરિફમાં ૫૦ ટકા સુધીનો વધારો કરી દીધા બાદ સરકાર આક્રમક મુડમાં દેખાઈ રહી છે. બીજી બાજુ મોનસુને લઈને નિરાશા પણ દેખાઈ રહી છે. આર્થિક મંદીની અસર પણ દેખાઈ રહી છે. બીએસઈ સેંસેક્સ ૪૯૧ પોઈન્ટ ઘટીને ૩૮૯૬૧ની સપાટીએ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન ટાટા સ્ટીલ, ટાટા મોર્ટસ, ઓએનજીસી, વેદાન્તા અને સન ફાર્મા જેવા શેરમાં તીવ્ર મંદીનુ મોજુ ફરી વળ્યું હતું.
એકમાત્ર યશ બેંક, કોલ ઇન્ડિયા અને ઈન્ફોસિસના શેરમાં તેજી રહી હતી. બાકીના શેરમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. નિફ્ટીમાં ૧૫૧ પોઈન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૧૧૬૭૨ રહી હતી. આજે કારોબાર દરમિયાન નિફ્ટીમાં ૬૮૫ શેરમાં તેજી અને ૧૮૪૭ શેરમાં મંદી રહી હતી. ૧૨૬ શેરમાં યથાસ્થિતિ રહી હતી. તમામ નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં આજે મંદીનુ મોજુ રહ્યું હતું. નિફ્ટી મેટલમાં ૨.૮૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઓટોમાં ૧.૬૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી બેંક, નિફ્ટી ફાઈનાસ્યેલ સર્વિસ અને નિફ્ટી ફાર્મા, નિફ્ટી પીએસયુ બેંક અને નિફ્ટી પ્રાઇવેટ બેંક સહિતના તમામ સેક્ટરમાં એક ટકાથી વધુને ઘટાડો થયો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ ઈન્ડેક્સમાં ૧૯૦ પોઈન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૧૪૫૩૧ નોંધાઈ હતી.
જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧૯૩ પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો. રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં ૨૮ વર્ષ નીચી સપાટી જોવા મળી હતી. સવારના કારોબારમાં તેના શેરમાં ૧૦ ટકાનો ઘટાડો થયો હતો. જોકે, કારોબારના અંતે તેના શેરમાં ૪.૭૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા સપ્તામાં ગાળા દરમિયાન મૂડી માર્કેટમાં ૧૧૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિદેશી મુડીરોકાણકારો ભારતના બજારને લઈને આશાવાદી દેખાઈ રહ્યા છે. પોલિસી સુધારા ચાલુ રહેવાના લીધે આ ફાયદો થયો છે. સતત ચાર મહિનાથી વિદેશી રોકાણકારોએ લેવાલી જારી રાખી છે. તેઓએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા.