શેર બજારમા આજે જોરદાર રિકવરી રહી હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ એક ટકા ઉછળીને ઉંચી સપાટીએ રહ્યો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૪૬૧ પોઇન્ટ રિકવર થઇને ૩૪૭૬૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૧૫૯ પોઇન્ટ ઉછળીને ૧૦૪૬૦ની સપાટીએ રહ્યો હતો. દિવસ દરમિયાન રૂપિયામાં ઉથલપાથલની સ્થિતિ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૩.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એક્સિસ બેંકમાં પણ વધારો રહ્યો હતો.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં પણ ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૬ ટકાનો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૪.૨ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૨૮૩ રહી હતી જ્યારે એસએન્ડપી સ્મોલકેપમાં ૩.૭ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૯૯૮ રહી હતી. અદાણી પાવરના નેતૃત્વમાં પાવર કંપનીના શેરમાં ઉછાળો જાવા મળ્યો હતો. એશિયન શેરબજારમાં રિબાઉન્ડની સ્થિતિ રહી હતી.
દેશના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા (આઈઆઈપી)ના આંકડા જે ઓગસ્ટ મહિના માટેના છે તે શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિના માટેના આઈઆઈપીના ડેટા અને સપ્ટેમ્બર મહિના માટેના રિટેલ ફુગાવા (સીપીઆઈ)ના આંકડા શુક્રવારે જારી થશે. જુલાઈ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો ૬.૬ ટકાનો રહ્યો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેખાવ શાનદાર રહ્યો હતો. કેટલાક નિષ્ણાતો માને છે કે, ઓગસ્ટ મહિનામાં પણ આઈઆઈપીના આંકડા યથાવત રહેશે જ્યારે રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં સીપીઆઈ ફુગાવો ૩.૬૯ ટકા રહ્યો હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી છે.
અમેરિકા અને ચીન સહિતના દેશોમાં જુદા જુદા આંકડા હાલમાં જારી કરવામાં આવનાર છે. આશ્ચર્યજનક પહેલરૂપે આરબીઆઈએ તે દિવસે વ્યાજદર યથાવત રાખ્યો હતો. સેંસેક્સમાં ગઇકાલે વધુ ૧૭૫ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. ડોલર સામે રૂપિયામાં ઘટાડો અને એશિયન શેરબજારમાં ૧૭ મહિનાની સૌથી નીચી સપાટી વચ્ચે ભારે અફડાતફડી જાવા મળી હતી. સેંસેક્સ ૧૭૫ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૪૭ પોઇન્ટ ઘટીને ૧૦૩૦૧ની સપાટીએ રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, શેરબજાર શુક્રવારના દિવસે ફરી એકવાર હચમચી ઉઠ્યું હતું. સતત ત્રીજા દિવસે ઘટાડાનો દોર જારી રહ્યો હતો. શુક્રવારના દિવસે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ બજારમાં હાહાકાર મચાવ્યો હતો. મુંબઈ સ્ટોક એક્સચેંજના ૩૦ શેર સેંસેક્સમાં ૭૯૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.