મુંબઇ : ચૂંટણી પરિણામના દિવસે આજે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ઉંચી સપાટી ઉપર મૂડીરોકાણકારોના પ્રોફિટ બુકિંગના પરિણામ સ્વરુપે શેરબજારમાં આજે જોરદાર ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. એનડીએની સરકાર ૨૦૧૯ની લોકસભા ચૂંટણી બાદ ફરીવાર બહુમતિ સાથે સત્તામાં આવી રહી છે તેવા અહેવાલ બાદ શેરબજારમાં સવારના કારોબારમાં તેજી રહી હતી પરંતુ ત્યારબાદ ઇન્ટ્રા ડે બાદથી બેંચમાર્કમાં ૧૦૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો થયો હતો. કારણ કે, મૂડીરોકાણકારોએ ઉંચી સપાટી ઉપર પ્રોફિટ બુક કરવાની ગતિવિધિ અપનાવી હતી. એનડીએ સરકાર સત્તામાં આવી રહી છે તેવા પ્રવાહ આવ્યા બાદ ઉંચી સેંસેક્સે એક વખતે ૪૦૦૦૦ની સપાટી કુદાવી દીધી હતી.
આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૯૯ પોઇન્ટ ઘટીને ૩૮૮૧૧ની સપાટીએ રહ્યો હતો. વેદાંતા લિમિટેડ, આઈટીસી, તાતા મોટર્સ, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. બીએસઈમાં ૩૦ શેર પૈકી ૧૬ શેરમાં આજે મંદી રહી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૦.૭ ટકા ઘટીને ૧૧૬૫૭ની સપાટી પર રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો તમામ ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો.
માત્ર નિફ્ટી મિડિયા અને રિયાલીટી સિવાય તમામ શેરમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી એફએમસીજીમાં ૧.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મેટલમાં ૧.૪૮ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે એક વખતે દિવસ દરમિયાન ૩૧૦૦૦ની સપાટી સ્પર્શ કરનાર નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧૧૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૦૪૦૯ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૬૫૦ નોંધાઈ હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૩૫૩ રહી હતી. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ૮ ટકાનો ઘટાડો શરૂઆતી કારોબારમાં રહ્યો હતો. કારોબારના અંતે તેની સપાટી ૫ ટકા ઉછળી હતી. બેંક દ્વારા કમાણીના માહોલને ફરી સામાન્ય બનાવી દેવામાં આવશે તેવી આશા જાગી હતી.
આજે ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન અદાણી ગ્રુપ કંપનીના શેરમાં ૧૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં તેજી માટે અન્ય અનેક કારણો હાલમાં જવાબદાર દેખાઈ રહ્યા હતા. કમાણીના આંકડા પણ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવી રહ્યા છે. વેદાંતા, આઈટીસીના શેરમાં આજે તીવ્ર ઘટાડો નોંધાયો હતો. રોકાણકારો ઉંચી સપાટી ઉપર પ્રોફિટ બુક કરી રહ્યા છે. ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૪૦ પોઇન્ટ ઉછળીને ૩૯૧૧૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૯ પોઇન્ટ ઉછળીને ૧૧૭૩૮ની સપાટીએ રહ્યો હતો.લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણ જારી કરવામા ંઆવ્યા છે. જેમાં જેમાં મોટા ભાગે એનડીએની લીડ દર્શાવવામાં આવી રહી છે. એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદ સેંસેક્સ ૧૪૨૨ પોઈન્ટ ઉછળીને રેકોર્ડ ૩૯૩૫૨ની ઉચી સપાટીએ રહ્યો હતો. એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ તેની સીધી અસર શેરબજારમાં થઇ હતી. આ ઉપરાંત કંપનીઓના પરિણામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે.