મુંબઈ : શેરબજારમાં છેલ્લા નવ દિવસથી ચાલી રહેલી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. ભારે ઉથલપાથલ બાદ આજે કારોબારના અંતે તેજી જોવા મળી હતી. રિલાયન્સ, આઈટીસી, એસબીઆઈ સહિતના શ્રેણીબદ્ધ શેરમાં જારદાર લેવાલી જામી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૨૮ પોઇન્ટ સુધરીને ૩૭૩૧૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સનફાર્મા, ભારતી એરટેલ, વેદાંતા, ઇન્ડસઇન્ડ બેંક, એસબીઆઇના શેરમાં સૌથી વધારે તેજી રહી હતી. સનફાર્માના શેરમાં છ ટકાનો સૌથી મોટો ઉછાળો રહ્યો તો જ્યારે અન્ય તમામ શેરોના કાઉન્ટર ઉપર ૨.૩ ટકાથી લઇને ૫.૪ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો.
૩૦ શેર પૈકીના ૧૬ શેરમાં તેજી રહી હતી. બ્રોડર નિફ્ટીમાં ૭૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૨૨૨ રહી હતી. ૮૯૭ શેરમાં તેજી અને ૮૭૫ શેરમાં એનએસઈમાં કારોબાર દરમિયાન મંદી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં મંદી રહી હતી તેમાં ૧.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૮૮ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૨૧૩ની રહી હતી જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૩૮૪૪ રહી હતી.
તાતા સ્ટીલના શેરમાં આજે સતત નવમાં દિવસે ઘટાડો થયો હતો જેથી તેના શેરની કિંમત ૦.૩૯ ટકા ઘટીને ૪૬૨ ઉપર રહી હતી. શેરમાં યુરોપિયન કમિશન દ્વારા ઘટનાક્રમ વચ્ચે ઘટાડો રહ્યો હતો. કંપનીના યુરોપિયન આર્મ અને અન્ય કંપની વચ્ચે સંયુક્ત સાહસને લઇને દરખાસ્ત ફગાવી દેવાઇ છે. જેટ એરવેઝના શેરમાં ૭.૪૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વધુ ગંભીર બનવાના સંકેત દેખાઈ રહ્યા છે.
આજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, વેપાર મંત્રણા સફળ થવાની અપેક્ષા ખુબ ઓછી દેખાઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૩૮ સેન્ટનો ફરીવાર ઉછાળો નોંધાતા તેની કિંમત બેરલદીઠ ૭૦.૪૦ રહી હતી. શેરબજારમાં છેલ્લા નવ દિવસથી ચાલી રહેલી મંદીના પરિણામ સ્વરુપે કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. છેલ્લા પાંચ દિવસના ગાળામાં જ સેંસેક્સમાં ૧૫૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો રહ્યો હતો જેથી મૂડીરોકાણકારો જંગી નાણાં ગુમાવી ચુક્યા હતા. બીએસઈમાં આજે અફડાતફડી રહી હતી પરંતુ કારોબારના અંતે રિકવરી નોંધાઈ હતી. એકંદરે રિલાયન્સ, આઈટીના શેરમાં ફરી લેવાલી જામી હતી. સતત ઘટાડાના પરિણામ સ્વરુપે રિલાયન્સે માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પણ પોતાની પ્રથમ સ્થાનની મજબૂત સ્થિતિને ગુમાવી દીધી હતી.