મુંબઇ : શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર રહ્યો હતો. છેલ્લા ત્રણ સેશનમાં મજબૂત સુધારો નોંધાયા બાદ આજે બેંચમાર્ક ઇન્ડેક્સ ફ્લેટ રહ્યા હતા. બીએસઈ સેંસેક્સ ૩ પોઇન્ટ ઉછળીને ૩૭૭૫૫ની સપાટીએ રહ્યો હતો. દિવસ દરમિયાન ઇન્ડેક્સ ક્રમશઃ ૩૭૯૦૮ અને ૩૭૬૯૪ની સપાટીએ પહોંચ્યા બાદ અંતે ત્રણ પોઇન્ટના સુધારા સાથે બંધ થયો હતો. આજે કારોબાર દરમિયાન એકંદરે માર્કેટ બ્રીથ નકારાત્મકની તરફેણમાં રહી હતી. બીએસઇમાં કારોબાર કરનાર ૨૮૬૧ કંપનીઓના શેર પૈકી ૧૨૩૪ શેરમાં તેજી અને ૧૪૭૯ શેરમાં મંદી રહી હતી. જ્યારે ૧૪૮ શેરમાં યથાસ્થિતિ રહી હતી. નિફ્ટી ઇન્ડેક્સ બે પોઇન્ટ સુધરીને ૧૧૩૪૩ની સપાટીએ રહ્યો હતો. બેંકિંગ સેક્ટરમાં નિફ્ટી બેંક ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૨૯૦૭૦ની સપાટીએ પહોંચ્યા બાદ અંતે તેની સપાટી ૨૮૯૨૩ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૪૦ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૫૦૮૮ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૩ પોઇન્ટનો ઉછાળો થતાં તેની સપાટી ૧૪૮૮૮ રહી હતી.
જાણકાર લોકોના કહેવા મુજબ આગામી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની વાપસીના સંકેત હવે દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બજારમાં તેની અસર રહી શકે છે. ચૂંટણી પહેલાના ઘટનાક્રમની અસર પણ રહી શકે છે.અત્રે નોંધનીય છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચના પ્રથમ પાંચ કારોબારી સેશનમાં મૂડી માર્કેટમાં ૨૭૪૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. શેરબજારમાં હકારાત્મક સ્થિતિ આના માટે જવાબદાર છે. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સાથે સાથે ૧૦૦૬૮૦.૧૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આ રીતે ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં રોકાણનો આંકડો ૧૭૨૧૯.૬૨ કરોડ રહ્યો હતો. રિટેલ ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ચાર માસની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ફેરફારના પરિણામ સ્વરુપે રિટેલ ફુગાવો ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. જાન્યુઆરી મહિનામાં ૧.૯૭ ટકાની ૧૯ મહિનાની નીચી સપાટીએ રહેલો સીપીઆઈ ઉપર આધારિત ખાદ્યાન્ન ફુગાવો ફેબ્રુઆરી ૨૦૧૮માં ૪.૪૪ ટકા હતો.
અર્થશાસ્ત્રીઓએ ફેબ્રુઆરી મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવો ૨.૪૩ ટકા હોવાની વાત કરવામાં આવી હતી પરંતુ ફુગાવો તેના કરતા પણ વધારે રહ્યો છે. આ ફુગાવો ૨.૫૭ ટકા રહ્યો છે. સીપીઆઈ ઉપર આધારિત ખાદ્યાન્ન ફુગાવો ૦.૬૬ ટકાની નકારાત્મક સપાટીએ રહ્યો હતો. ગઇકાલે શેરબજારમાં પણ તેજીનો માહોલ જાવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયામાં મજબૂતી તથા વિદેશી સંસ્થાક મૂડીરોકાણકારો તરફથી રોકાણ પ્રવાહ જારી રહેતા બેંકના શેરોમાં ભારે લેવાલી જાવા મળી છે. બોંબે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના ૩૦ શેર સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ અથવા તો ૦.૫૮ ટકા ઉછળીને ૩૭૭૫૨.૧૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ૫૦ શેર નિફ્ટી ૪૦ પોઇન્ટ ઉછળીને ૧૧૩૪૧.૭૦ની સપાટીએ હતો.