મુંબઇ : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ઓટો મોબાઇલ અને ફાર્માના શેરોમાં વેચવાલી વચ્ચે બેંચમાર્ક ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યો હતો. સેંસેક્સ ૧૫૧ પોઇન્ટ ઘટીને ૩૬૩૯૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૫૫ પોઇન્ટ ઘટીને ૧૦૮૮૯ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૧.૧૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૧.૬૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં બેંચમાર્કમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. મિડકેપ ઇન્ડેક્સમાં ૨૧૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૧૧૮ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૦૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૪૫૦ રહી હતી. સન ટીવી નેટવર્કના શેરમાં ૧૦ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ગ્રેફાઇડ ઇન્ડિયાના શેરમાં ૧૪ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી. તેલની કિંમતોમાં ફરી એકવાર ઉથલપાથલ શરૂ થઇ છે.
બ્રેન્ટ ક્રૂડની કિંમત ૦.૪ ટકા ઘટીને ૬૧.૮૪ની સપાટીએ રહી હતી. વર્તમાન એનડીએ સરકારનું અંતિમ સંસદ સત્ર બુધવારના દિવસે પૂર્ણ થઈ રહ્યું છે. ખેડુતો માટે અને મધ્યમ વર્ગ માટે કેટલીક જાહેરાતો થઈ ચુકી છે. સામાન્ય ચુંટણી નજીક છે ત્યારે હજુ પણ વધારાની લોકપ્રિય જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. રિટેલ ફુગાવા અને હોલસેલ ફુગાવાના આંકડા પણ બજારની દિશા નક્કી કરશે. આની જાહેરાત પણ હવે થનાર છે. માસિક ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો ડિસેમ્બર મહિનામાં ૩.૮૦ ટકા રહ્યો હતો જે નવેમ્બરમાં ૪.૬૪ ટકા હતો. ફુગાવાના આંકડા હવે જારી થનાર છે.
જાન્યુઆરી મહિના માટેના આંકડા પણ આવા જ આશાસ્પદ રહી શકે છે. આરબીઆઈએ હાલમાં જ રેપોરેટમાં ૨૫ બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. કન્ઝયુમર ફુગાવાના આંકડા આવતીકાલે મંગળવારના દિવસે અને હોલસેલ ફુગાવાના આંકડા ગુરૂવારના દિવસે જારી કરાશે. ડિસેમ્બર મહિના માટે ઈન્ડેક્ષ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઈઆઈપી)ના આંકડા મંગળવારના દિવસે જારી કરાશે. આઈઆઈપી ગ્રોથનો આંકડો નવેમ્બર ૦.૪૭ ટકા રહ્યો હતો. અન્ય પરિબળો પણ છે જેના ઉપર તમામની નજર રહેશે. જેમાં અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણાનો સમાવેશ થાય છે. અનેક હેવી વેઈટ કંપનીઓના પરિણામ અને કમાણીના આંકડા જારી કરાયા છે. હવે કોલ ઈન્ડિયા, હિન્ડાલકો, ઓએનજીસી અને સનફાર્માના આંક જારી કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં વિદેશી મૂડીરોકાણકારોએ ઊંચા આર્થિક વિકાસ દરની અપેક્ષા વચ્ચે છેલ્લા છ કારોબારી સેશનમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં ૫૩૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. નવેસરના આંકડા મુજબ એફપીઆઈએ ૧-૮ ફેબ્રઆરી દરમિયાન ઈક્વિટીમાં ૫૨૭૩ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. જ્યારે તેઓએ ડેપ્થ માર્કેટમાંથી ૨૭૯૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા.