મુંબઇ : શેરબજારમાં આજે સવારે પણ તેજીનો માહોલ અકબંધ રહ્યો હતો. કારોબારની શરૂઆત તેજી સાથે થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૨૭ પોઇન્ટ સુધરીને ૩૭૧૦૩ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૨ પોઇન્ટ સુધરીને ૧૧૦૯૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. ડોલરની સામે રૂપિયો છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૧૬ પૈસા ઘટીને ૭૧.૭૨ની સપાટી પર હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક ટકાનો સુધારો થયો હતો. શેરબજારમાં જાન્યુઆરી મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૫૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સામાન્ય ચૂંટણી પહેલા વિદેશી મૂડીરોકાણકારો કોઇપણ પ્રકારના જાખમ લેવા માટે તૈયાર નથી.
નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા જ્યારે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી.ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવાં આવ્યું છે કે, ગયા મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૭ કરોડ અને ઇક્વિટી માર્કેટમાંથી ૫૨૬૭ કરોડ રકમ પરત ખેંચવામાં આવી હતી. શેરબજારમાં હાલમાં તેજી માટે કેટલાક પરિબળો દેખાઈ રહ્યા છે. હાલમાં જ રજૂ કરવામાં આવેલા બજેટમાં તમામ વર્ગો માટે મોટી રાહતો જાહેર કરવામાં આવી હતી જેની સીધી અસર પણ બજારમાં જાવા મળી રહી છે. આવકવેરા મુક્તિ મર્યાદા પાંચ લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતો માટે ઇન્કમ સપોર્ટ યોજના જાહેર કરવામાં આવી ચુકી છે. શ્રમિકો માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવી ચુકી છે જેની સીધી અસર બજારમાં જાવા મળી રહી છે. રિલાયન્સ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તેની સ્થિતિ વધારે મજબૂત કરે તેવા સંકેત છે. બુધવારના દિવસે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૫૮ પોઇન્ટ ઉછળીને ૩૬૯૭૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૨૮ પોઇન્ટ ઉછળીને ૧૧૦૬૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો.