મુંબઈ : શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૧૩ પોઇન્ટ ઉછળીને ૩૬૫૮૩ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૧૯ પોઇન્ટ ઉછળીને ૧૦૯૧૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૩૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આરબીએલ બેંક અને ફેડરલ બેંકના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ બંનેમાં તીવ્ર તેજી જોવા મળી હતી.
નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૦.૧૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ટીસીએસ અને ટેક મહિન્દ્રાના શેરમાં જારદાર તેજી જામી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧૪૦ પોઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો જેથી તેની સપાટી ૧૪૫૦૧ નોંધાઈ હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૬૪ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૭૮૬ રહી હતી. વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ તેને લઇને માર્કેટમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વચગાળાના બજેટમાં નાણામંત્રી પીયુષ ગોયેલે કહ્યું હતું કે, ખેડૂતોને ઇન્કમ સપોર્ટ રુપે ૭૫૦૦૦ કરોડ રૂપિયા ૨૦૧૯-૨૦માં આપવામાં આવશે જ્યારે ૨૦૧૮-૧૯માં સરકારે ૨૦૦૦૦ કરોડ રૂપિયા આપીદીધા છે. આના કારણે ખુશીનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને લઇને પણ ચર્ચાઓ છેડાઈ ગઈ છે.
બજારમાં આજે શરૂ થયેલા નવા કારોબારી સેશનમાં તેજીનો માહોલ રહેવાના એંધાણ દેખાઈ રહ્યા છે. વચગાળાના બજેટમાં નાના ખેડૂતોને ઇન્કમ સપોર્ટની જાહેરાત કરવામાં આવી હતી. સાથે સાથે ટેક્સ રિબેટની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે ફિસ્કલ ડેફિસિટનો અંદાજ ઉલ્લેખનીય રહી શકે છે. બજેટની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. આવી સ્થિતિમાં સરકાર પણ ચૂંટણીનો લાભ લેવા આશાવાદી છે. રેટિંગ એજન્સી મુડીનું કહેવું છે કે, ૩.૪ ટકાના ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટને જાળવી રાખવાની બાબત સરળ નથી.