મુંબઇ : શેરબજારમાં શરૂ થતાં નવા કારોબારી સેશનમાં અનેક પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. સેંસેક્સ અને નિફ્ટી બંને હકારાત્મકરીતે છેલ્લા સપ્તાહમાં બંધ રહ્યા હતા. છેલ્લા બે કારોબારી સેશનમાં ઘટાડો થયો હોવા છતાં સાપ્તાહિક તેજી જાવા મળી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સ ૩૧૫ પોઇન્ટ ઉછળી અને નિફ્ટી ૬૮ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. નવા સપ્તાહમાં જે પરિબળોની અસર રહેનાર છે તેમાં કમાણીના આંકડા, વૈશ્વિક બજારોની સ્થિતિ, માઇક્રો આંકડાનો સમાવેશ થાય છે. આ તમામ આંકડા દલાલસ્ટ્રીટમાં બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. આ સપ્તાહમાં ઝી એન્ટરટેઇન્મેન્ટ, હિન્દુસ્તાન યુનિલીવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, વિપ્રો, એચડીએફસી બેંક સહિત અનેક હેવીવેઇટ કંપનીઓના પરિણામ જારી કરવામાં આવનાર છે જેની અસર બજાર પર થશે. ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. આવતીકાલે ડિસેમ્બર મહિના માટે હોલસેલ અને રિટેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવનાર છે. અર્થતંત્ર અને આરોગ્ય માટે આ ઉપયોગી સાબિત થશે. નવેમ્બરમાં સીપીઆઈ ઉપર આધારિત રિટેલ ફુગાવો ૧૭ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
રસોડામાં ઉપયોગ કરવામાં આવતી મોટાભાગની ચીજાની કિંમતોમાં ઘટાડો થયો હતો. હોલસેલ ફુગાવો નવેમ્બર મહિનામાં ૪.૬૪ ટકાની ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. તેલની કિંમતોમાં બે ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે વાતચીતના કોઇ પરિણામ મળી શક્યા નથી પરંતુ તેની અસર જાવા મળનાર છે. ગ્લોબલ સેન્ટીમેન્ટ, ગ્લોબલ માઇક્રો પરિબળોની અસર પણ જાવા મળનાર છે. અગાઉ શેરબજારમાં શુક્રવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સમાં વધુ ઘટાડો થયો હતો. સેંસેક્સ ૯૭ પોઇન્ટ ઘટીને ૩૬૦૧૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૭ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૫ની નીચી સપાટીએ રહ્યો હતો. એફપીઆઈએ ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
જ્યારે ૨૦૧૭માં રેકોર્ડ બે લાખ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા છે. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી.આ વખતે નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. ૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી.
માર્ચ મહિનામાં ટુંકી રિકવરી થયા બાદ આ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી. માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો હતો. સેંસેક્સમાં વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો હતો.