મુંબઇ : શેરબજારમાં આજે સતત ત્રીજા કારોબારી સેશનમાં તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૬૯ પોઇન્ટ સુધરીને ૩૬૦૭૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૦ પોઇન્ટ ઉછળીને ૧૦૮૬૦ની સપાટીએ રહ્યો હતો. ૫૦ શેરના ઇન્ડેક્સમાં ૩૮માં તેજી અને ૧૨માં મંદી રહી હતી. સાપ્તાહિક આધાર પર ઉછાળો નોંધાયો છે. શેરબજારમાં ગઇકાલે ગુરુવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૦.૫ ટકા ઉછળીને નવી સપાટી ઉપર રહ્યો હતો. ડિસેમ્બર સિરિઝમાં ફ્યુચર એન્ડ ઓપ્શન (એફ એન્ડ ઓ) કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિના દિવસે બજારમાં સારી સ્થિતિ રહી હતી. ગુરુવારે કારોબારના અંતે સેંસેક્સ ૧૫૭ પોઇન્ટ ઉછળીને ૩૫૮૦૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૦ પોઇન્ટ ઉછળીને ૧૦૭૮૦ની સપાટીએ રહ્યો હતો.
હાલમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલીક રાહત અપાઈ હતી જેના ભાગરુપે ફિલ્મોની ટિકિટ, ટીવી સેટ, કોમ્પ્યુટર, પાવર બેન્ક, ટીવી સ્ક્રીન સહિતની દરરોજ ઉપયોગમાં આવતી ૨૩ ચીજવસ્તુઓ પર જીએસટી રેટમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ આ તમામ ચીજા પહેલી જાન્યુઆરી ૨૦૧૯થી સસ્તી થશે. ગઇકાલે શનિવારના દિવસે જે ચીજવસ્તુ પર દર ઘટાડવામાં આવ્યા હતા તે દર પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. જે ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો હતો તેમાં ૧૭ ચીજ વસ્તુઓ અને છ સર્વિસનો સમાવેશ થાય છે.
છ વસ્તુને ૨૮ ટકાના સ્લેબમાંથી ઘટાડીને ૧૮ ટકાના જીએસટી સ્લેબમાં મુકવામાં આવી હતી.નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ ગઇકાલે આ અંગેની જાહેરાત કરી હતી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટાયર, વીસીઆર અને લિથિયમ બેટરીને ૨૮ ટકાના સ્લેબમાંથી ઘટાડીને ૧૮ ટકાના સ્લેબમાં લવાયા હતા. ૩૨ ઈંચ સુધીના ટીવી પર દરો ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયા હતો.વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારતીય મૂડી માર્કેટમાં ૪૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા.