મુંબઇ: શેરબજારમાં આજે સતત બીજા દિવસે અભૂતપૂર્વ કડાકો બોલી ગયો હતો. શેરબજાર ફરી એકવાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં બેંચમાર્ક ઇન્ડેક્સ એક ટકાથી વધુ ગગડી ગયા હતા. ડોલર સામે રૂપિયો ૭૨.૭૨ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૫૦૯ પોઇન્ટ ઘટીને ૩૭૪૧૩ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. બ્રોડર નિફ્ટી ૧૫૧ પોન્ટ ઘટીને ૧૧૨૮૭ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. એફએમસીજી કંપનીઓ આશરે દબાણ હેઠળ રહ્યા હતા.
નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં વર્તમાન મહિનામાં આઠ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. તેમાં છ સપ્તાહની નીચી સપાટી જાવા મળી રહી છે. આજે એફએમસીજીના અનેક શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો થયો હતો જેમાં આઈટીસી, ગોદરેજ, કોલગેટ, મેરિકો, ફુડવર્ક્સનો સમાવેશ થાય છે. એશિયન શેરબજારમાં અફડાતફડીનો દોર રહ્યો હતો. દક્ષિણ કોરિયન શેરમાં ૦.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. શાંઘાઈમાં ૦.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. એશિયન શેરબજારમાં સતત નુકસાનને ટાળવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. બીજી બાજુ અમેરિકા અને ચીન વચ્ચે જારી ટ્રેડવોરને લઇને પણ વેપાર જગતમાં ચિંતા પ્રવર્તી રહી છે. અમેરિકા દ્વારા ચીન ઉપર વધુ આયાત નિયંત્રણો લાગૂ કરવાની તૈયારી કરવામાં આવી ચુકી છે. એક બાજુ ક્રૂડની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહી છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડો થઇ રહ્યો છે. આ બંને પરિબળો ઉપરાંત સ્થાનિક પરિબળો પણ અસરકારકરીતે કામ કરી રહ્યા છે. આઈઆઈપીના આંકડા, ફુગાવાના આંકડા હવે જારી કરવામાં આવનાર છે.
સીપીઆઈ ફુગાવાના આંકડા કેવા રહે છે તેના ઉપર પણ બજારની દિશા નક્કી થશે. ઓગસ્ટ મહિના માટે ભારતના કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. રિટેલ ફુગાવા અથવા તો સીપીઆઈના આંકડા બજારની દિશા નક્કી કરી શકે છે. ચીજવસ્તુઓ અને સર્વિસની કિંમતમાં ફેરફાર સીપીઆઈ ફુગાવાના આંકડામાં જાવા મળે છે. રિઝર્વ બેંક ઓફ ઇંડિયા આ આંકડા ઉપર આધારિત રહીને ઓક્ટોબર મહિનામાં તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરશે. સાથે સાથે તેમાં રેપોરેટમાં કોઇ ફેરફાર કરવા જાઇએ કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવશે. રિટેલ ફુગાવો જુલાઈ મહિનામાં નવ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. જૂન મહિનામાં રિટેલ ફુગાવો ૪.૫૨ ટકા ઘટીને જુલાઈ મહિનામાં ૪.૧૭ ટકા થઇ ગયો હતો. જ્યારે ખાદ્યાન્ન ફુગાવો ૨.૯૧ ટકાથી ઘટીને ૧.૩૭ ટકા સુધી થઇ ગયો છે.
આવી જ રીતે ઓગસ્ટ મહિના માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. જુન મહિનામાં આ ફુગાવો ૫.૭૭ ટકા હતો જ્યારે જુલાઈ મહિનામાં તે ૫.૦૯ ટકા હતો. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટેના ડેટા જે જુલાઈ મહિના માટેના છે તે બુધવારના દિવસે જારી કરાશે. જૂન મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ચીનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા શુક્રવારે જારી થશે. યુએસ કોર સીપીઆઈ ડેટા અને ઓગસ્ટના સેલ્સ ડેટાના આંકડા ગુરુવાર અને શુક્રવારના દિવસે જારી કરાશે.કારોબારના અંતે સેંસેક્સ ૪૬૮ પોઇન્ટ ઘટીને ૩૭૯૨૨ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૧૫૧ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં અન્ય જે બહારના પરિબળ છે જેમાં યુરોપિયન સેન્ટ્રલ બેંકોના પરિણામ પણ સામેલ છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વધુ એક મિટિંગ નક્કી થઇ રહી છે.