ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને (KVIC) રિવરફ્રન્ટ પર સ્ટીલનો સૌથી લાંબો સ્ટીલનો ચરખો લગાવવાનું કામ શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 પર વિશ્વનો સૌથી લાંબો લાકડાનો ચરખો અગાઉ લગાવવામાં આવેલો છે. આ ચરખો સાબરમતી આશ્રમની એકદમ સામે લગાવવામાં આવશે.
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર આ ચરખો સમર્પિત કરવામાં આવશે. 2.2 ટન સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવનાર આ ચરખો 11 ફીટ ઉંચો, 22 ફીટ લાંબો અને 6.5 ફીટ પહોળો હશે. ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના જ યૂનિટ પ્રયોગ સમિતિ દ્વારા ચરખો બનાવવા માટેનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
KVICના ચેરમેન વી.કે. સક્ષેનાએ કહ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ તરફથી સત્તાવાર સંમતિ મળી ગયા બાદ સુભાષ બ્રિજ પાસે ચરખો બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે.